આપણું ગુજરાત

જાણો ક્યારથી શરૂ થશે કેશોદ એરપોર્ટ? સંસદમાં સરકારે કરી જાહેરાત! દર કલાકે 800 મુસાફરોની ક્ષમતા!

કેશોદ: ગુજરાતના પ્રાદેશિક હવાઈ સંપર્કને વધુ મજબૂત કરવાના હેતુથી કેશોદ એરપોર્ટના વિકાસ માટે સરકારે મહત્ત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સંસદમાં પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણ (AAI) દ્વારા ₹364 કરોડના અંદાજિત ખર્ચે કેશોદ એરપોર્ટનું વ્યાપક વિકાસ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટને જાન્યુઆરી ૨૦૨૭ સુધીમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જોકે આ સમયમર્યાદા જમીન સંપાદન, કાયદાકીય મંજૂરીઓ અને નાણાકીય પાસાંઓ પર નિર્ભર રહેશે.

વિકાસ કાર્ય અંતર્ગત કેશોદ એરપોર્ટ પર મુસાફરોની ક્ષમતામાં મોટો વધારો કરવામાં આવશે. એરપોર્ટ પર ૬,૫૦૦ ચોરસ મીટરનું એક નવું ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જે વ્યસ્તતમ સમયમાં એકસાથે ૪૦૦ આગમન અને ૪૦૦ પ્રસ્થાન કરનારા મુસાફરોને હેન્ડલ કરી શકશે. આ ઉપરાંત, આ પ્રોજેક્ટમાં ૨,૫૦૦ મીટર સુધી રનવેનું વિસ્તરણ પણ સામેલ છે, જે એરબસ A320 પ્રકારના મોટા વિમાનના સંચાલનને સક્ષમ બનાવશે.

આ પણ વાંચો: કેશોદ એરપોર્ટ પર મોટા વિમાનો ઉતરી શકશેઃ રનવે 2500 મીટર સુધી લંબાવવામાં આવશે…

કેશોદ એરપોર્ટ એક ડોમેસ્ટિક એરપોર્ટ છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે ૧૯૯૪માં એર કોર્પોરેશન એક્ટ રદ્દ થયા બાદ દેશનું ડોમેસ્ટિક વિમાનન અનિયંત્રિત (deregulated) થઈ ગયું છે. આથી, એરલાઇન્સ સ્વતંત્ર રીતે વિમાનનો પ્રકાર અને માર્ગો વિશે નિર્ણય લે છે. જોકે, કેન્દ્ર સરકારે દેશના જે એરપોર્ટને ઓછી સેવા મળે છે અથવા બિલકુલ સેવા નથી મળતી ત્યાં હવાઈ સંપર્કને પ્રોત્સાહન આપવા માટે ૨૦૧૬માં પ્રાદેશિક કનેક્ટિવિટી યોજના (RCS) – ઉડાન (ઉડે દેશ કા આમ નાગરિક) શરૂ કરી છે.

ઉડાન યોજના માંગ-આધારિત છે, અને તેના થકી ઓળખાયેલા એરપોર્ટનું અપગ્રેડેશન કરવામાં આવે છે. કેશોદ એરપોર્ટનો આ વિકાસ પણ પ્રાદેશિક હવાઈ જોડાણને વેગ આપશે. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે, એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓમાં સુધારો લાવવો તે AAI અને અન્ય એરપોર્ટ ઓપરેટરો દ્વારા ચાલતી એક સતત પ્રક્રિયા છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button