અમદાવાદ અને ગુજરાતમાં કેટલી પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત? સંસદમાં સરકારનો જવાબ જાણીને ચોંકી જશો!

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર હાલ ચાલી રહ્યું છે, જેમાં આજે અમદાવાદમાં કેટલી પોસ્ટઓફિસ પોતાના અને કેટલી ભાડાના મકાનમાં ચાલે છે તેવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સંચાર પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત સર્કલમાં 880 પોસ્ટ ઓફિસ ભાડાના મકાનમાં કાર્યરત છે. અમદાવાદમાં પોસ્ટ ઓફિસની સંખ્યા 354 છે, જેમાં પોતાના ભવન 64 છે અને 158 ભાડાના મકાનમાં કાર્યરત છે. આ રીતે કુલ 222 પોસ્ટ ઓફિસ શહેરી વિસ્તારમાં છે. જ્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પોતાના પરિસરમાં 35 અને ભાડાના મકાનમાં 97 પોસ્ટ ઓફિસ મળી કુલ 132 પોસ્ટ ઓફિસ કાર્યરત છે.
શાહજહાંપુરના સાંસદ અરૂણ કુમાર સાગરે પૂછ્યું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વિભાગીય ભવનો અને ભાડાના પરિસરોમાં વર્તમાનમાં કાર્યરત પોસ્ટ ઓફિસોની રાજ્યવાર, ક્ષેત્રવાર અને શ્રેણીવાર સંખ્યા કેટલી છે? આગામી વર્ષ દરમિયાન રાજ્યવાર કેટલી નવી પોસ્ટ ઓફિસ, સબ-પોસ્ટ ઓફિસ અને ટેલિગ્રાફ ઓફિસ ખોલવામાં આવે તેવી શક્યતા છે?
શું સરકાર દેશના દરેક ગામમાં ટપાલ સેવાઓ પૂરી પાડવાનો વિચાર ધરાવે છે? અને જો હા, તો તે અંગેની વિગતો શું છે? ટપાલ અને ટેલિગ્રાફ કર્મચારીઓ માટે રાજ્યવાર અને ક્ષેત્રવાર કેટલી રહેણાંક વસાહતો (રેસિડેન્શિયલ કોલોનીઓ) ઉપલબ્ધ છે?
જેના જવાબમાં સંચાર પ્રધાને જણાવ્યું કે સરકાર 1,64,999 પોસ્ટ ઓફિસના વિશાળ નેટવર્કના માધ્યમથી સમગ્ર દેશમાં સર્વિસ આપી રહી છે. ગુજરાત સર્કલમાં વડોદરામાં 497, રાજકોટમાં 369 અને અમદાવાદમાં 354 પોસ્ટ ઓફિસ આવેલી છે, જે પૈકી વડોદરામાં 56, રાજકોટમાં 87 અને અમદાવાદમાં 64 પોસ્ટ ઓફિસ પોતાના પરિસરમાં કાર્યરત છે, જ્યારે ભાડા મકાનમાં વડોદરામાં 148, રાજકોટમાં 94 અને અમદાવાદમાં 158 પોસ્ટ ઓફિસ કાર્યરત છે.
આ જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં વડોદરામાં 51, રાજકોટમાં 47 અને અમદાવાદમાં 35 પોસ્ટ ઓફિસ પોતાના બિલ્ડિંગમાં જ્યારે વડોદરામાં 242, રાજકોટમાં 141 અને અમદાવાદમાં 97 બિલ્ડિંગો ભાડાના પરિસરમાં કાર્યરત છે.
ગુજરાતમાં 2025-26માં નવી 11 અને 2026-17માં 15 પોસ્ટ ઓફિસ મળી કુલ 26 પોસ્ટ ઓફિસ ખોલવામાં આવશે, જ્યારે 2025-26માં 7 અને 2025-26માં 7 મળી કુલ 14 નવી સબ પોસ્ટ ઓફિસ ખોલવામાં આવશે. ગુજરાત સર્કલના વડોદરોમાં 13, રાજકોટમાં 23 અને અમદાવાદમાં 19 રેસિડેન્શિયલ કોલોની પણ છે.



