અમદાવાદમાં પતંગોત્સવની પૂરજોશમાં તૈયારી, ૭થી ૧૪ જાન્યુઆરીએ યોજાશે કાઈટ ફેસ્ટિવલ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ પતંગોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. શહેરમાં આગામી તા. ૭મી થી તા.૧૪મી જાન્યુઆરી દરમિયાન કાઈટ ફેસ્ટિવલ યોજાશે. તેમાં વિશ્ર્વના અલગ અલગ દેશમાંથી પતંગ રસિકો આવશે. શહેરની સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી તા. ૭મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય વિક્રમ સંવત તેમજ ઈસ્વીસન સહિત કોઈ પણ કેલેન્ડર મુજબ સામાન્ય રીતે મકરસંક્રાંતિ વર્ષોથી તા. ૧૪ જાન્યુઆરીએ જ આવતી હોય છે. ખૂબ ધામધૂમથી ઉજવાતો આ ઉત્સવ સૂર્યના મકર રાશિમાં પ્રવેશના દિવસે ઉજવાય છે ત્યારે આ વર્ષે મકરસંક્રાંતિ તા. ૧૪ને બદલે તા. ૧૫ જાન્યુઆરીના હોવાનું અનેક જ્યોતિષીઓ, શાસ્ત્રીજીઓએ જાહેર કર્યું છે તો બીજી તરફ સરકારના ઈ.સ. ૨૦૨૪ના જાહેર થયેલા રજાના કેલેન્ડરમાં મકર સક્રાંતિની રજા તા. ૧૫ જાન્યુઆરીએ જાહેર કરાઈ છે. ગ્રહોનો રાજા અને સમગ્ર સૃષ્ટિનો પ્રાણ સૂર્ય દર મહિને રાશિ બદલાવે છે અને જે રાશિમાં પ્રવેશ તે નામથી સક્રાંતિ કહેવાય છે, પરંતુ મકરસક્રાંતિનું સદીઓથી અદકેરું મહત્ત્વ રહ્યું છે. સૂર્યદેવના આ રાશિ ભ્રમણમાં દર વર્ષે ૧૪ જાન્યુઆરીના ચોક્કસ સમયે જ પ્રવેશ હોતો નથી, થોડી મિનિટોનો ફરક હોય છે જેથી વર્ષો બાદ ઉત્તરાયણનો દિવસ બદલાતો રહે છે. આ વર્ષે તા. ૧૪ જાન્યુઆરીએ રવિવારની જાહેરરજા પણ છે જેથી લોકો મોજથી પતંગોત્સવ ઉજવશે.જો તા. ૧૫ના રજા જાહેર થાય તો સરકારી કચેરીઓ સતત બે દિવસ બંધ રહે તેમ છે.