કિંજલ દવેને ‘ચાર-ચાર બંગડી..’ 1 લાખમાં પડી, હવે નહીં ગાઈ શકે આ ગીત!
અમદાવાદ: કિંજલ દવે (Kinjal Dave) નું સુપ્રસિદ્ધ ગુજરાતી ગીત ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. અગાઉ સિવિલ કોર્ટે કિંજલ દવેને આ ગીતના કોપીરાઈટ વિવાદ (kinjal dave copyright case) મુદ્દે તેને કોઇપણ રીતે લાઇવ, પબ્લિક ડોમેન કે સોશિયલ મીડિયામાં ગાવા પર પ્રતિબંધ ફરમાવાયો હતો. તેમ છતાં ગાયિકાએ વિદેશમાં પોતાના લાઈવ પ્રફોર્મન્સમાં આ ગીત ગયું હતું અને કોર્ટના આદેશનો તિરસ્કાર કર્યો હતો. આ મુદ્દે રેડ રીબન એન્ટરટેઈમેન્ટ પ્રા.લિ તરફથી કોર્ટમાં અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે કિંજલ દવેને એક લાખ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો હતો. અને જો 7 દિવસમાં દંડ નહીં ચૂકવાય તો સાત દિવસની સાદી કેદ ભોગવવા કોર્ટે નિર્દેશ આપ્યા છે.
રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની અરજી તરફ કોર્ટનું ધ્યાન દોરતા કહેવામાં આવ્યું હતું કે તેની પાસે ‘ચાર ચાર બંગડીવાલી ગાડી ગીત’ ગીતનો કોપીરાઈટ છે અને ગીતના બોલ, ગીત અને ગાવા, વગાડવા અને પરફોર્મ કરવાના અધિકારો છે. તેમ છતાં આ ગીત કિંજલ દવેએ પરફોર્મ કર્યું છે અને અમને ભરપાઈ ન થઈ શકે તેવું નુકશાન થયું છે.
સિટી સિવિલ સેશન્સ જજ ભાવેશ અવાશીયાએ કિંજલ દવેને કોર્ટના આદેશની અવમાનના બદલ સાત દિવસમાં ફરિયાદીને 1 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો. કિંજલ દવેને સિવિલ કોર્ટે જાહેરમાં કે સોશિયલ મીડિયા પર લાઈવ ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે, કિંજલ દવેએ ગત નવરાત્રિમાં કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયામાં આ ગીત લાઈવ પરફોર્મ કર્યું હતું.
કિંજલ દવેએ કબૂલ્યું હતું કે તેણે નવરાત્રી 2023માં આ ગીત 20 થી 25 વખત ગાયું છે. કિંજલ દવેએ બચાવ કરતાં કહ્યું હતું કે તેણે આ ગીત ભારતની બહાર ગાયું છે, તેથી તે કેસમાં કોર્ટનો પ્રતિબંધ લાગુ ન હોવો જોઈએ. કોર્ટે તેમના બચાવને ફગાવી દીધો હતો અને બિનશરતી માફી મંગાવી હતી.
જોકે, કોર્ટે કહ્યું હતું કે ગાયિકાએ આ ગીત હજારો લોકોની સામે પરફોર્મ કર્યું છે અને તેમાંથી કમાણી કરી છે જે ક્ષમાપાત્ર નથી. કોર્ટે કિંજલ દવેને રૂ. 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને સાત દિવસની અંદર ચૂકવણી ન કરવા પર સાત દિવસની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ કર્યો છે.