Kinjal Dave નહીં ગાઈ શકે ‘ચાર ચાર બંગડીવાળી’…ગીત
અમદાવાદઃ ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’…ગીતને લીધે ઘરેઘરે જાણીતી થયેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેને આ ગીત ગાવા પર ગુજરાત હાઈ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. અગાઉ કિંજલ દવે સિવિલ કોર્ટમાં આ ગીત સંબંધિત કેસ જીતી ગઈ હતી, પરંતુ હવે હાઈ કોર્ટે અરજદાર ખાનગી કંપનીની અરજીને માન્ય રાખી આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો છે.
હવે કિંજલ દવે આ ગીત પર પર્ફોમ નહીં કરી શકે. અગાઉ સિવિલ કોર્ટે ગાયિકાને રાહત આપી હતી. જોકે સિવિલ કોર્ટના ચુકાદાને ખાનગી કંપનીએ હાઇ કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે હાઇ કોર્ટે અરજદારની અરજી માન્ય રાખી કિંજલ દવેનાં ચાર ચાર બંગડીવાળા ગીત ગાવા પર છઠ્ઠી માર્ચ સુધી સ્ટે લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત 30 જાન્યુઆરીએ કિંજલ દવેએ ‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ કેસ સિવિલ કોર્ટમાં જીતી લીધો હતો. એક ખાનગી કંપની આ ગીતના કોપીરાઈટના હક્કો સાબિત ન કરી શકતા કોર્ટે આ કોપીરાઈટનો કેસ રદબાતલ કરી દીધો હતો. ત્યારે સિવિલ કોર્ટના ચુકાદાને કંપનીએ હાઇ કોર્ટમાં પડકાર્યો છે.
ઓક્ટોબર 2022માં અમદાવાદની સિટી સિવિલ કોર્ટે કિંજલ દવેને વિવાદાસ્પદ ગીત ગાવાની મનાઈ ફરમાવી હતી. આ આદેશ બે મ્યુઝિક કંપનીઓ પર પણ લગાવવામાં આવ્યો હતો. અરજદાર કંપનીએ કિંજલ દવે પર કોર્ટના પ્રતિબંધના આદેશ છતાં લગભગ 20-25 વખત જાહેરમાં ગીત ગાવાનો આરોપ મૂક્યો હતો. આ પછી કોર્ટે દંડ ફટકાર્યો હતો ત્યારે કિંજલ દવેએ દલીલ કરી હતી કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કોર્ટના અધિકારક્ષેત્રની બહાર છે.
કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે આ આદેશ તેમની વિરુદ્ધ વ્યક્તિગત રૂપે કરવામાં આવ્યો છે ને તે આખી દુનિયમાં માન્ય ગણાશે. બાદમાં સિવિલ કોર્ટે કિંજલ દવેને ગીત ગાવાની મંજૂરી આપી હતી તેના વિરુદ્ધ અરજદાર કંપની હાઈ કોર્ટમાં ગઈ હતી.