ખ્યાતિ કાંડ: PMJAYના કર્મચારીની પણ સંડોવણી આવી સામે, 5 મિનિટમાં જ આપતા હતા મંજૂરી
અમદાવાદઃ ખ્યાતિ કાંડ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે. આ દરમિયાન અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ક્રાઈમબ્રાંચને પીએજેએવાયની ગાંધીનગર સ્થિત ઓફિસમાં કામ કરતાં એક કર્મચારી સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી હોવાની વિગતો મળી છે. આ કર્મચારીઓ માત્ર 5 મિનિટમાં તેમની પાસે આવેલી ફાઇલને મંજૂરી આપી દેતા હતા. ઉપરાંત એક એજન્ટ પણ મહત્વની કડી હોવાનું જાણવા મળ્યું છે. જેની મદદથી પીએમજેએવાયના કર્મચારીઓ માત્ર ખ્યાતિ જ નહીં અન્ય હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા હોવાનું કહેવાય છે.
સર્જરી પછી પણ ફાઇલ મંજૂર થતી
આ કૌભાંડમાં પીએમજેએવાય યોજનાનું કામ કરતી ખાનગી કંપનીના કર્મચારીઓ, અધિકારી તેમજ આરોગ્ય ખાતાની ટીનમની સંડોવણી હોવાની આશંકાના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવી રહી છે. કેટલાક કિસ્સામાં ફાઈલ મંજૂર થઈને ન આવી હોવા છતાં હોસ્પિટલે દર્દીની સર્જરી કરી નાંખી હતી અને પછી ફાઈલ મંજૂર કરી હોવાનું ધ્યાને આવ્યું હતું.
આ પણ વાંચો…ખ્યાતિ બાદ કાકડિયા હોસ્પિટલ વિવાદમાં; દર્દીને સ્ટેન્ડ મૂક્યા બાદ થયું મોત
આગામી દિવસોમાં થઈ શકે છે મોટા ખુલાસા
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં ધરપકડ કરવામાં આવેલા મિલિન્દ પટેલે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, પીએમજેએવાય સાથે સંકળાયેલા ત્રણ કર્મચારીઓ સાથે સંકલન કરીને એકથી દોઢ કલાકમાં જ સર્જરી માટેની મંજૂરી મેળવતા હતા. જેના આધારે પોલીસે પીએમજેએવાયના શંકાસ્પદ કર્મચારીઓની પૂછપરછ કરી ત્યારે સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા. ઉપરાંત ખ્યાતિ સહિત અનેક હોસ્પિટલ વચ્ચે સંકલન માટે એક એજન્ટ હતો. જેના માટે તે કમિશન લેતો હતો તેવું જાણવા મળ્યું હતું. આગામી દિવસોમાં આ કેસમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે.