Khyati કેસમાં ડૉ. સંજય પટોલિયાની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 7 આરોપી ઝડપાયા
અમદાવાદઃ અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જિયોગ્રાફી અને તે પૈકીના 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાંથી બે દર્દીઓના મોત થતા હોસ્પિટલ પર હોબાળો થયો હતો. ખ્યાતિ હૉસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા PMJAY યોજનાનો લાભ લેવા માટે લોકોને ઓપરેશનની જરૂર ન હોવા છતાં ખોટી રીતે કરી નાખ્યા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પ્રથમ તમામ લોકોના ઓપરેશ કરનારા ડો. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મેહુલ જૈન, સીઈઓ ચિરાગ રાજપૂત, પ્રતીક ભટ્ટ, પંકિલ પટેલ, મિલિન્દ પટેલ એમ પાંચ ઓરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડૉ. સંજય પટોલિયાની ધરપકડ કરવામાં આવી હતી. આમ આ કેસમાં કુલ સાત લોકોની ધરપકડ થઈ છે, જ્યારે બે ફરાર છે.
કેવી રીતે ઝડપાયો ડૉ. સંજય પટોલિયા
બેરિયાટ્રિક સર્જન ડૉ. સંજય પટોલિયા જ્યારે ઝડપાયો ત્યારે ધૂળથી ખરડાયેલી અને ફાટેલી ટી-શર્ટમાં હતો. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર તે રાજકોટમાં છુપાયો હતો અને અમદાવાદના ગોતામાં મિત્રને મળવા આવ્યો ત્યારે તેને લોકેશનના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. ડૉ. સંજય પટોલિયા સામે ગુનો નોંધાયાના 24 દિવસ બાદ ઝડપાયો છે. જેની સામે LOC નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની તૈયારી હતી. ડો. સંજય પટોલિયાના મંગળવારે આગોતરા જામીન રદ થયાના બીજા દિવસે જ ઝડપાતા તે ખરેખર ઝડપાયો કે સામેથી રજૂ થયો તેવી પણ ચર્ચા વહેતી થઈ હતી.
આ પણ વાંચો : Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કારનું ટાયર ફાટતાં ટ્રક સાથે અથડાઈ, એક જ પરિવારના 3નાં મોત
ડૉ. સંજય પટોલિયા જાણીતા બેરિયાટ્રિક સર્જન છે. તે 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો. બાદમાં તેમણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2005માં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. અમદાવાદમાં 2014માં એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી, જેના કારણે તેણે સારી નામના મેળવી હતી. 2014માં એશિયન બેરિયાટ્રિકસનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું.