Khyati Caseમાં કાર્તિક પટેલને લઈ થયો વધુ એક ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે લોકોના મોત બાદ હાલ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પીએમજેએવાય કાર્ડધારકોને શોધી લાવવા કાર્તિક પટેલ ટાર્ગેટ આપતો હતો. આ માટે મેડિકલ પ્રેક્ટિશનરને મજબૂત કમિશન આપવામાં આવતું હતું. જે દર્દીને દવાની જ જરૂર હોય તેમને પણ સ્ટેન્ટ મૂકવામાં આવતા હતા. ઉપરાંત દર બે મહિને ખ્યાતિ હૉસ્પિટલમાં કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત, સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી, રાહુલ જૈનની મીટિંગ થતી હતી. જેમાં સરકાર પાસેથી વધુમાં વધુ નાણા મેળવવા ગામડાઓમાં કેમ્પ યોજી મહત્તમ દર્દીઓને કેવી રીતે હૉસ્પિટલમાં લાવવામાં આવે તેની ચર્ચા થતી હતી.
કાર્તિક પટેલ તથા અન્ય ડિરેક્ટર્સ દ્વારા હૉસ્પિટલમાં શરૂઆતથી જ વિઝિટિંગ ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, આઈસીયિ સુપરવાઇઝર (કેથલેબ)ના ઑપરેટર્સ સહિતના લોકોને તેમની સૂચના મુજબ સારવાર કરવા ફરમાન કરવામાં આવતું હતું. સમગ્ર હૉસ્પિટલ અને તેના વ્યવહારો કાર્તિક પટેલના દિશા નિર્દેશ મુજબ જ ચાલતા હતા.
ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઈ છે. આ કારણોસર હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. હવે PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો ઘડીભરમાં જ પકડાઈ જશે.
હાલ ગુજરાતમાં PMJAY યોજનાની કામગીરી મેન્યુઅલી થઈ રહી છે જેના કારણે ગેરરીતિ થવાનો અવકાશ છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડૉક્ટરો, હૉસ્પિટલ સંચાલકોની મિલીભગતથી આખુંય કૌભાંડ થયું છે ત્યારે હવે રાજ્ય આરોગ્ય વિભાગે નેશનલ હેલ્થ એજન્સી જેવું જ પોર્ટલ બનાવવા તૈયારી કરી છે. હવે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાનું નક્કી કરાયું છે જેથી ખોટા ડૉક્યુમેન્ટ હશે, અધૂરા ડૉક્યુમેન્ટ હશે અથવા અન્ય કોઈ પણ અનિમિયતતા જણાશે તો ઘડીભરમાં પકડાઈ જશે.