ખ્યાતિ કાંડઃ ડાયરેક્ટર કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પરથી ઝડપ્યો, થશે અનેક ખુલાસા
અમદાવાદઃ ખ્યાતિ હૉસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. કૌભાંડ બહાર આવ્યું ત્યારથી કાર્તિક પટેલ ફરાર હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઑસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે
કાર્તિક વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરાઈ હતી
અમદાવાદના ખ્યાતિ હૉસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ડાયરેક્ટર સામે તપાસ ચાલી રહી હતી. જેમાં કાર્તિક પટેલ વિદેશ ભાગી ગયો હોવાની માહિતી સામે આવતાં તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. કાર્તિક પટેલને ઝડપવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તેના દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો હતો અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી હતી
આગોતરા જામીન અરજી ફગાવાઈ હતી
ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનવણી યોજાઈ ગઈ હતી.જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીન નકારી નાખ્યા હતા. કાર્તિક પટેલે તેના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
શું છે મામલો
ગત વર્ષે કડીના બોરીસણા ગામે ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હૉસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો મચાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ મામલે પ્રથમ ડોક્ટર વઝીરાણી બાદ ખ્યાતિ કાંડમાં માસ્ટરમાઇન્ડ એવા સીઈઓ રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગ મેનેજર મિલિંદ પટેલ પણ ઝડપાયા હતા. જેઓ હાલ રિમાન્ડ પર છે અને આ ત્રિપુટીએ કેટલા લોકોને કેટલાનો ચૂનો લગાવ્યો એ અંગેની તપાસ પોલીસ કરી રહી છે ત્યારે ખ્યાતિ કાંડનાં ફરાર ડાયરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ થતાં હવે અનેક ખુલાસાઓ થશે.
તપાસમાં ક્રાઈમ બ્રાન્ચે કર્યા હતા મોટા ખુલાસા
થોડા દિવસો પહેલા ખ્યાતિ હૉસ્પિટલ કાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યાની માહિતી અપાઈ હતી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો દાવો કરાયો હતો.
Also read: ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસોઃ PMJAY નો લાભ લેવા કરવામાં આવતી હતી આવી કરતૂત
ખ્યાતિ કાંડના આરોપી
ડૉ. પ્રશાંત વઝીરાણી | મિલિન્દ પટેલ |
રાહુલ જૈન | પ્રતીક ભટ્ટ |
પંકિલ પટેલ | ડૉ. સંજય પટોલીયા |
રાજશ્રી કોઠારી | કાર્તિક પટેલ |
ચિરાગ રાજપૂત |