ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ મુખ્ય ડોક્ટરની ધરપકડ, અત્યાર સુધીમાં શું થઈ કાર્યવાહી?
અમદાવાદ: અમદાવાદ એસ. જી. હાઇ-વે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોગ્રાફી અને સ્ટેન્ટ મૂકવાના ઓપરેશન કર્યા બાદ દર્દીના મોત નીપજતા હોબાળો મચી ગયો હતો. આ અનુંસધાનમાં આરોગ્ય વિભાગે નિમેલી કમિટીની તપાસમાં ચોંકાવનારા તથ્યો જાણવા મળ્યા છે. અહીંની હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન કરવામાં ગંભીર બેદરકારી દાખવવાના મામલે ડૉ. પ્રશાંત વજીરાણી, ડૉ. કાર્તિક પટેલ, ડૉ. સંજય પટોલિયા, ચિરાગ રાજપૂત અને રાજશ્રી કોઠારી વિરૂદ્ધ ગુનો નોંધાયો છે, જ્યારે આ જ કેસમાં ડૉ. પ્રશાંતની ધરપકડ પણ કરી કરવામાં આવી છે.
મુખ્ય ડોક્ટરની ધરપકડ
અમદાવાદના બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના કેસમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ ષડયંત્રને લઈને હોબાળો મચી જતાં, મુખ્ય ડૉક્ટર સહિત જવાબદારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેમાં મુખ્ય ડોક્ટર કે જેના હાથે દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા હતા તેવા ડૉ. પ્રશાંત વઝીરાણી આટલા દિવસોથી ધરપકડથી દૂર નાસી રહ્યા હતા. ત્યારે તાજેતરમાં તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા ડૉ. પ્રશાંત વઝીરાણીની ધરપકડ કરવામાં આવી છે. તેમણે જે બે દર્દીને સ્ટેન્ટ મૂક્યા હતા તે બંનેનાં મોત થયાં છે.
આ પણ વાંચો :અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ; પાંચ સંચાલકો સામે માનવવધનો ગુનો નોંધાયો
વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ
PMJAY યોજનામાં લાભ લેવા માટે ડોક્ટર સહિતની ટીમ દ્વારા આ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના આરોપ છે. ડૉ. પ્રશાંત વજીરાણી અને ડૉ. સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત અને CEO સહિતના લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે સોલા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રકાશ મહેતાએ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાથી ડૉ.પ્રશાંતની ધરપકડ કરી લેવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ?
કડી તાલુકાના બોરીસણા ગામે યોજાયેલ મેડિકલ કેમ્પમાં હાર્ટ સંબંધિત સમસ્યાની તપાસ કરવામાં આવી હતી. જેમાં વધારે સારવારની જરૂર હોય તેવા 19 લોકોને ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાંના કેટલાક દર્દીઓની એન્જિયોગ્રાફી અને અમુકની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમાં એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યા બાદ બે લોકોના મોત થયા બાદ પરિવારજનો દ્વારા હોસ્પિટલની સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારબાદ સરકારે પણ આ મામલે તપાસ માટે એક સમિતિની રચના કરી છે, જેમાં હોસ્પિટલના અનેક ભોપાળા છતા થયા છે.