આપણું ગુજરાત

ખોડલધામ કેન્સર હૉસ્પિટલ સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે: વડા પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે રાજકોટ જિલ્લાના કાગવડ ખાતેથી ખોડલધામ કેન્સર હૉસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા તથા સંબોધન કર્યું હતું.

સાતમા પાટોત્સવના અવસરે ખોડલધામની પવિત્ર ભૂમિ પર ઉપસ્થિત ભક્તો સાથે જોડાવાનું સૌભાગ્ય મળવા બદલ આનંદ વ્યક્ત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલ સંબોધનમાં જણાવ્યું હતું કે રાજકોટના પડધરી તાલુકાના અમરેલી ખાતે નિર્માણ પામનારી કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિ પૂજન સાથે ખોડલધામ ટ્રસ્ટે જનકલ્યાણ અને સેવાના ક્ષેત્રે વધુ એક સુંદર પહેલ કરી છે. આ હૉસ્પિટલથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટા પ્રદેશને લાભ થશે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે આ કેન્સર હૉસ્પિટલ સેવા ભાવના અને સર્વ સમાજના કલ્યાણનું પ્રતીક બની રહેશે.

લેઉઆ પાટીદાર સમાજ દ્વારા સેવા, સંસ્કાર અને સમર્પણના સંકલ્પ સાથે શરૂ કરાયેલા ખોડલધામ ટ્રસ્ટે શિક્ષા, કૃષિ અને સ્વાસ્થ્યના ક્ષેત્રોમાં ઉદાહરણીય કામગીરી કરીને અનેક લોકોના જીવન બદલવાનું કાર્ય કર્યું છે.

તેમણે કહ્યું હતું કે, કેન્સર સહિતની ગંભીર બીમારીઓના ઈલાજમાં મોટો ખર્ચ થઈ જતો હોય છે ત્યારે દર્દી અને તેના પરિવારને આર્થિક મુશ્કેલી ન પડે તે સુનિશ્ર્ચિત કરવા સરકાર કટિબદ્ધ છે. સરકારે છેલ્લાં નવ વર્ષોમાં ૩૦ કેન્સર હૉસ્પિટલ શરૂ કરી છે અને ૧૦ નવી કેન્સર હોસ્પિટલ બની રહી છે.

કેન્સરના ઈલાજમાં વહેલી તકે નિદાન થવું જરૂરી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેન્સર સહિતની ગંભીર બીમારીઓનું નિદાન વહેલી તકે થઇ શકે તે માટે કેન્દ્ર સરકારે ગ્રામ્ય સ્તરે દોઢ લાખથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર
બનાવ્યા છે.

આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે કેન્સર હૉસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સમાજ સેવા માટે ધન અને દાનની સરવાણી માતાજીના આશીર્વાદ સ્વરૂપે મળી રહી છે. ઈશ્ર્વરીય મદદ મળે ત્યારે જ આવું ભવ્ય આયોજન થતું હોય છે. ખોડલધામે વિવિધ સેવાકીય કાર્યો થકી “જનસેવા એ જ પ્રભુસેવા નું ધ્યેય સાર્થક કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button