ભાવનગરના આ ગામમાં થાય છે ખીરનો હવન ! ધાવડી માતાના મંદિરે વિશિષ્ઠ પરંપરા

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી, પારણાં નોમના દિવસે કેટલાક ઠાકર દ્વાર અને કૃષ્ણ મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે જ, પરંતુ માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસે (અમાસ) એટલે કે દિવાસાના દિવસે આ પ્રકારે આયોજન સંભવતઃ સૌરાષ્ટ્રમાં એકમાત્ર અહીં થાય છે !
ચોમાસાની ઋતુમાં અને ખાસ કરીને શ્રાવણ અને ભાદરવા મહિનામાં દૂધની બનાવેલી વાનગી, જેમ કે ખીર-દૂધપાક ખાવાનું મહત્ત્વ છે. આ દિવસોમાં સંચિત પિત્તનો પ્રકોપ વધતો હોય છે, એના શમન માટે આ વાનગીઓ હિતકારી ગણાય છે. આ આરોગ્ય વિષયક લાભ સાથે આસ્થા જોડાઈ જાય ત્યારે એક પંથ દો કાજ જેવો લાભ મળે છે.
આ પણ વાંચો : રાજકોટમાં Janmashtamiના લોકમેળામાં મોંઘવારીનું ગ્રહણ, સ્ટોલના ભાવમાં વધારો
આ પરોક્ષ કારણ અને ૧૧૦ વર્ષની પરંપરા સાથે ભાવનગર જિલ્લાના ભંડારિયા ગામે ખીરનો હવન થાય છે. હા, ખીરનો હવન! સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી, પારણાં નોમના દિવસે કેટલાક ઠાકર દ્વાર અને કૃષ્ણ મંદિરમાં દૂધપાક બનાવવાની પ્રથા છે જ, પરંતુ માતાજીના મંદિરે અને અષાઢ મહિનાના અંતિમ દિવસે (અમાસ) એટલે કે દિવાસાના દિવસે આ પ્રકારે આયોજન સંભવતઃ સૌરાષ્ટ્રમાં એકમાત્ર અહીં થાય છે.


ભાવનગર-સોમનાથ નેશનલ હાઈ-વે પર ભાવનગરથી બાવીસ કિલોમીટર દૂર ભંડારિયા ગામથી અંદર તરફ ડુંગરોની વચ્ચે આવેલા નાના એવા મેલકડી ગામના પાદરમાં ધાવડી માતાનું પૌરાણિક મંદિર છે. જે પ્રકૃતિ પ્રેમીઓને પણ પ્રિય સ્થળ છે. અહી ચોમાસામાં ભાવનગરનાં યુવાઓ ટ્રેકિંગ માટે મોટી માત્રામાં આવે છે.
મેલકડીના ડુંગરમાં આવેલા ધાવડી માતાજીના મંદિરે પરંપરાગત રીતે દિવાસાના પર્વે તા.4 ઓગસ્ટના રોજ ખીરનો વિશિષ્ઠ હવન યોજાશે. આ વખતે રવિવાર હોવાથી તેમજ સમયસર વરસાદ થવાથી પ્રકૃતિ પણ ખીલી ઉઠી છે ત્યારે યાત્રિકો ઉપરાંત સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડવાની ધારણા છે.
આપણે ત્યાં જુદી જુદી પરંપરાઓ જોવા મળી રહી છે જેની સાથે કોઈને કોઈ ઇતિહાસ, પ્રસંગ જોડાયેલો હોય છે, આ ગામના શુક્લ કૃણાલ રાવલે જણાવ્યું કે, ભંડારિયામાં પ્રતિવર્ષ થતા ખીરના હવનની પરંપરા પાછળ “ભયંકર રોગચાળાથી પશુઓને બચાવવા માતાજીની માનતા માનવામાં આવી અને માતાજીએ રક્ષણ કર્યાની લોકવાયકા છે.” બસ ત્યારથી પ્રતિવર્ષ માતાજીને ખીરનો ભોગ ધરાવાની પરંપરા રહી છે, લગભગ દસ બાર દાયકા જૂની આ પરંપરા આજે પણ એટલા જ શ્રદ્ધા ભાવથી સચવાઈ છે. આ દિવસે અહી માત્ર ખીર જ બને છે. મોટા તપેલા ભરી ભરીને ખીરનો પ્રસાદ બને છે, સૌ ગામજનો, ભાવિકો અહી ભરપેટ ખીરનો પ્રસાદ જમે છે અને બરણી ભરીને ઘરે લઈ જવાની પ્રથા પણ ખરી ! માત્ર ભંડારિયા નહિ આજુબાજુના ગામના લોકો પણ ભાવથી ખીરનો પ્રસાદ લેવા આવે છે, ભાવનગર સહિત અન્યત્ર વસેલા ગ્રામજનો આવવાનું ચૂકતા નથી. દરેક જ્ઞાતિજનો માતાજીના સાનિધ્યમાં એકત્ર થઇ ખીરનો પ્રસાદ લે છે જે ગામની એકતાનું પણ ઉદાહરણ જોવા મળે છે. અસલ ગામઠી શૈલીમાં લોકોને થાળી મોઢે પ્રસાદ જમતા જોવું તે પણ શહેરના લોકો માટે લહાવો છે.!
પ્રકૃતિના ખોળે બિરાજતા ધાવડી માતાનું મંદિર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે તો અહીંની આબોહવા, લીલા ડુંગરાઓ અને ઘેઘુર વડલાની વડવાઈઓ પ્રકૃતિપ્રેમીઓને અહીં ખેચી લાવે છે.