Kutch: ભુજમાં આવેલી પવિત્ર ખારી નદીનો વિકાસ કરાશે

ભુજઃ કચ્છ જિલ્લાના ભુજમા આવેલા સ્મૃતિવન, હમીરસર તળાવ સહિતના સ્થળોની પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે શહેરની ભાગોળે ખારી નદી સ્મશાનગૃહ ખાતે ભુતનાથ મહાદેવનું ભવ્ય મંદિર બન્યા બાદ અહીં નિયમિત પણે ભાવિકોનો પ્રવાહ વધ્યો છે. ત્યારે આ સ્થળના ધાર્મિક મહત્વને ધ્યાને રાખી તેનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવા દરખાસ્ત કરાઇ હતી. જે મંજુર થતા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 12 કરોડની રકમના ખર્ચે ભુજમાં ખારી નદી ખાતે વિકાસ કાર્યો કરવામાં આવશે.
નાણા મંજુર થયા બાદ પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે જેને મંજુરી મળી ગઇ છે. તેમજ આર્કિટેકની નિમણૂક થઈ છે. આગામી બે મહિનામાં ટેન્ડર-વર્ક ઓર્ડરની કામગીરી પૂર્ણ કરી એક વર્ષમાં ખારી નદીના કાંઠે ભુજનો પ્રથમ રિવર ફ્રંટ અને ઉત્તર ગંગા નદી ઘાટ બનાવવાનું આયોજન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભુજમાં આવેલી પવિત્ર ખારી નદીનો ભાગવતમાં પણ ઉલ્લેખ થયેલો છે ખારી નદી ઉત્તરવાહીની નદી છે. તેનું પાણી ઉત્તર તરફ જાય છે. અહીં ઋષિ પાંચમના મેળો ભરાય છે. ત્યારે આ સ્થળનો વિકાસ થતા કચ્છમાં પ્રથમ ઘાટ બનશે.