આપણું ગુજરાત

ગુજરાતમાં ‘વરસાદી’ આફતઃ ખડગે અને રાહુલ ગાંધીએ મદદ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરી

નવી દિલ્હીઃ ગુજરાતમાં વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં હજારો લોકોના સ્થાળાંતરણ અને મોટી જાનહાનિના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આ મુદ્દે કેન્દ્ર સરકારે પીડિતોને મદદ કરવાની હૈયાધારણ આપી છે ત્યારે આ મુદ્દે વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ ગુજરાત રાજ્યને મદદ કરવા સરકારને અનુરોધ કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે ગુજરાતમાં પૂરની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને કુદરતી આપદાની અસરને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો: વડોદરામાં રાહત અને બચાવ માટે આર્મીની વધુ ત્રણ કુમક, NDRF મદદે : ઋષિકેશ પટેલ

રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે અમે કેન્દ્ર સરકારને એનડીઆરએફ અને એસડીઆરએફની વધુ ટીમો સુનિશ્ચિત કરવા વિનંતી કરીએ છીએ. અમને બચાવ કામગીરી કરી રહેલા આપણા સશસ્ત્ર દળો અને કોસ્ટ ગાર્ડ પર ગર્વ છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ આપત્તિની આ ઘડીમાં તમામ સંભવિત રાહત પ્રયાસોનું સંકલન કરવું જોઇએ.

આ અંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુજરાતમાં પૂરની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે આ આપદામાં જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા અને જેમની સંપત્તિને નુકસાન થયું છે એવા પરિવારો પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સાજા થઇ જાય. તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓને અપીલ છે કે તેઓ અસરગ્રસ્ત લોકો અને વહીવટીતંત્રને રાહત અને બચાવ કાર્યમાં તમામ શક્ય મદદ કરે.

આ પણ વાંચો: મેઘરાજા હવે તો ખમૈયા કરોઃ સૌરાષ્ટ્રમાં ફરી જળબંબાકાર, કચ્છ પણ પાણી પાણી

ગાંધીએ એક્સ પર જણાવ્યું કે સરકાર પાસેથી આ આપત્તિની અસરને ઘટાડવા માટે તમામ જરૂરી પગલાં લેવાની અપેક્ષા છે. જેથી અસરગ્રસ્ત લોકો વહેલી તકે પુનર્નિર્માણ અને પુનવર્સન કરી શકે. એનડીઆરએફ અને એસડીઆરએફ સેના, ભારતીય વાયુસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડની મદદથી રાહત અને બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિનો તાગ મેળવવા અને સંકટ સમયમાં કેન્દ્રની મદદની ખાતરી માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button