આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Political Drama: કેતન ઈનામદારે ગણતરીની કલાકોમાં જ પલટી મારી, રાજીનામું પરત ખેંચ્યું

વડોદરા: લોકસભા ચૂંટણી જાહેર થઇ ગયા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, એવામાં આજે ગુજરાત ભાજપમાં હાઈ વોલ્ટેજ પોલિટીકલ દરમાં જોવા મળ્યો હતો. સાવલી વિધાનસભા બેઠક પરથી ભાજપના વિધાનસભ્ય કેતન ઈનામદારે ગત મોડી રાત્રે રાજીનામુ આપી દીધું હતું. તેમણે અગાઉ હાઈકમાન્ડ સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. હવે આજે બપોરે તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રાત્રે દોઢ વાગ્યાના અરસામાં કેતન ઈનામદારે ઈ-મેઇલના માધ્યમથી પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને મોકલી આપ્યું હતું. આ અંગે તેમણે પોતે જાહેરાત કરી હતી, ત્યાર બાદ ભાજપ સંગઠનમાં ખળભળાટ મચી ગયો હતો. ડેમેજ કંટ્રોલ કરવા પાર્ટી હાઈ કમાન્ડે તુરંત કાર્યવાહી કરી હતી. હવે કેતન ઈનામદારને મનાવી લેવામાં આવ્યા છે. કેતન ઇમાનદારે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/national/lok-sabha-elections-2024-commercialization-of-things-to-eat-beyond-the-modi-brand/

પત્રકારો સાથે વાત કરતા કેતન ઇનામદારે કહ્યું કે, મેં મારી વેદના સીઆર પાટીલ સાહેબ સમક્ષ રજૂ કરી, પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીએ મારી વાતને ગંભીરતાથી લીધી છે.

તેમણે વધુમાં કહ્યું કે પત્રમાં મેં લખ્યું હતું કે, મારા અંતર આત્માના અવાજને માન આપીને રાજીનામું આપું છું. રાજીનામાની જાણ થતાં આગેવાનોએ મારી સાથે વાત કરી હતી, મેં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને હર્ષ સંઘવી સાથે બેસીને ચર્ચા કરી. મેં મારી વેદના તેમને કહી. તેમણે ખાતરી આપી છે કે તમને અને પ્રત્યેક કાર્યકર્તાને સંતોષ થાય એવા પગલા સરકાર અને સંગઠન દ્વારા ભરવામાં આવશે, હવે હું મારું રાજીનામું પરત ખેંચું છું.

આ પણ વાંચો…
https://bombaysamachar.com/gujarat/ketan-inamdar-resignation-assembly-speaker-ranjanben-bhatt-support/

કેતન ઈનામદારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષને ઈમેઈલથી મોકલેલા પત્રમાં લખ્યું હતું કે, ‘વંદેમાતરમ સહ જણાવું છું કે, હું કેતનકુમાર મહેન્દ્રભાઇ ઈમાનદાર, 135 સાવલી વિધાનસભા મત વિસ્તારના વિધાનસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું. મારા અંતર આત્માના અવાજને માન આપીને વિધાનસભ્ય પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકારવા વિનંતી છે.’

કેતન ઈનામદારે ઈ-મેઈલ તો મોકલ્યો હતો, પરંતુ સ્પીકરને રાજીનામું રુબરુ સોંપવાની પ્રક્રિયા તેમણે પૂર્ણ કરી ન હતી. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ રાજીનામું સ્વીકાર્યુ પણ ન હતું. અહેવાલો મુજબ કેતન ઈનામદારે વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી મળવા માટે સમય પણ માંગ્યો ન હતો. માટે આ સમગ્ર ઘટનાક્રમ માત્ર પોલિટીકલ ડ્રામા હોવાની ચર્ચાઈ રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button