ગીર-તાલાળા ટુ અમેરિકા, વાયા બાવળા…. આ રીતે કેસર કેરીની સોડમ રેલાય છે અમેરિકા સુધી
અમદાવાદ: ગુજરાતની આગવી ઓળખ સમાન કેસર કેરીનો સ્વાદ અને સોડમ છેક અમેરિકાવાસીઓ સુધી પણ પહોંચી રહી છે અને તેની સીધી આવક ગુજરાતનાં ગીરના ખેડૂતો મેળવી રહ્યા છે. પણ ગુજરાતની કેસર કેરીને અમેરિકા પહોંચાડવી એટલી પણ સરળ નથી કે જેટલી આપણને લાગે છે. આ આખી પ્રક્રિયામાં ગુજરાતની એક સરકારી સંસ્થાની આગવી ભૂમિકા છે.
ગીરના જંગલમાં પાકતી અને પોતાના સ્વાદથી એક આગવી ઓળખ ઉભી કરેલી કેસર કેરી હવે છેક અમેરિકાવાસીઓ પણ માણી રહ્યા છે. પણ આ કેસર કેરીની સફર હવે ગીરથી અમેરિકા જઈ રહી છે પણ વાયા બાવળા. કારણ કે અમેરિકામાં કેસર કેરી વેંચવા માટે અમેરિકા સરકારની એક નિશ્ચિત અને આકરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તો ચાળો જાણીએ ગીરની કેસર કેરીની અમેરિકા સુધીની આ સફર વિશે.
અમેરિકામાં કેરી વેંચવા માટે શું છે પ્રક્રિયા ?
અમેરિકા નિકાસ કરવા માટે આવતી કેરીનું ઈ-રેડિએશન ફરજિયાત છે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી આવનાર ક્વોરન્ટીન નિરીક્ષકની દેખરેખ હેઠળ થાય છે. તેઓ નિકાસ થનાર જથ્થામાંથી કેટલાક સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે. જેમાં મુખ્યત્વે સૂક્ષ્મ જીવાણુઓની હાજરી તપાસવામાં આવે છે. આ નિરીક્ષક તરફથી મળતી પરવાનગીને આધારે કેરીના બોક્સ પર ઈ-રેડિએશન થયાનું સર્ટિફીકેટ લગાવવામાં આવે છે. જે કેરી નિકાસ કરવાપાત્ર ગુણવત્તા ધરાવતી હોવાનો મુખ્ય દસ્તાવેજ છે. જો કોઈ બોક્સ પર આવું સર્ટિફીકેટ ન હોય તો તેની નિકાસ થઈ શકતી નથી.
બાવળામાં છે ઈ-રેડિએશન પ્લાન્ટ:
તાલાળાની ગુણવત્તાયુક્ત કેસર કેરી પકવતા અને અમેરિકા ખાતે નિકાસ કરવા ઈચ્છતા હજારો ખેડૂતો તેમના ઉત્પાદનને નિયત કરેલા માપદંડો પ્રમાણે પેકિંગ કરીને ઈ-રેડિએશન કરવા માટે અમદાવાદ મોકલે છે. અમદાવાદના બાવળા ખાતે આવેલા ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી (GARPF) ખાતે આ કેરીઓનું ઈ-રેડિએશન કરવામાં આવે છે. આ માટે નિકાસકારો પાસેથી પ્રતિબોક્સ નિર્ધારીત કરેલી રકમ વસુલવામાં આવે છે. ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્પોર્ટ ડેવલોપમેન્ટ ઓથોરિટી (APEDA) દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ગત વર્ષે (2023માં) પણ 205 ટનથી વધુ કેરીનું ઈ-રેડિએશન કરી નિકાસ કરાઈ હતી. જ્યારે ચાલુ વર્ષે (2024માં) અત્યારસુધીમાં 215 ટનથી વધુ કેરીની નિકાસ અમેરિકા ખાતે કરવામાં આવી છે.
આ પ્લાન્ટને અમેરિકાએ આપી છે માન્યતા:
અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસે નેશનલ પ્લાન્ટ પ્રોટેક્શન ઓર્ગેનાઈઝેશન (NPPO)ની ટીમ સાથે ગુજરાત એગ્રો પ્રોસેસિંગ ફેસિલિટીનું ઓડિટ કર્યું હતું અને 2 જુલાઈ, 2022ના રોજ બાવળા સ્થિત પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી હતી. કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિ વિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઈન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો પ્લાન્ટ છે.
પ્લાન્ટથી રાજ્યની મહેસૂલી આવકમાં વધારો:
જો કે આ પહેલા કેરીનાં ઈ-રેડિએશન કરવાઆ માટે ગુજરાતના ખેડૂતોએ કેરીને મુંબઇ ખાતે મોકલવામાં આવતી હતી અને ખૂબ મોટો ફાળો મહારાષ્ટ્રની મહેસૂલી આવકમાં હતો અને તેમાં ખૂબ જ વિલંબ અને ત્યાં સુધી લંબાવવું પણ પડતું. પરંતુ બાવળામાં આ પ્લાન્ટને અમેરિકા સરકારની મંજૂરી મળતા હવે ગુજરાતનાં ખેડૂતોને પણ આ બાબતે ખૂબ જ સરળતા થઈ ચૂકી છે અને ખેડૂતો પણ લાખોની આવક કરી રહ્યા છે. જો કે આ પ્લાન્ટથી રાજ્યની મહેસૂલી આવકમાં પણ વધારો થયો છે.
અમેરિકામાં કેરીનો ભાવ:
તાલાળાના ખેડૂતોને કેસર કેરીની નિકાસ થકી અમેરિકામાં ખૂબ સારા ભાવ મળતા હોય છે. ભારત કરતા અલગ રીતે અને વધુ ચોક્કસાઈથી આ કેરીનું પેકેજિંગ કરવામાં આવે છે. એક બોક્સમાં 3 કિલો જેટલી કેરી મુકવામાં આવે છે. બોક્સની અંદરના ભાગમાં ચારે તરફ જાળીનું આવરણ કરવામાં આવે છે. ઈ-રેડિએશન કરાયેલા એક બોક્સનું વેચાણ અમેરિકા ખાતે 30થી 38 ડોલરમાં કરવામાં આવે છે. આ ભાવનો સીધો ફાયદો નિકાસકાર ખેડૂતોને થાય છે.
Also Read –