Gujarat drugs seizure: પોરબંદર પાસેથી પકડાયેલા ડ્રગ્સનું કેરળ કનેક્શન, તપાસ એજન્સીએ કર્યા મોટા ખુલાસા

અમદાવાદ: બે દિવસ આગાઉ પોરબંદરના દરિયાકાંઠાની નજીકથી આશરે 3,300 કિલોગ્રામ ડ્રગનો જથ્થો પકડાયો હતો. તપાસ એજન્સીઓએ આ મામલા સાથે જોડાયેલા ડ્રગ સિન્ડિકેટને શોધી કાઢ્યું છે, તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ 2022માં કેરળમાં 200 કિલો ડ્રગ્સની દાણચોરીમાં સામેલ ટોળકી જ આ ડ્રગ્સ મોકલી રહી હતી. મળતી માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાનથી મેળવવામાં આવ્યો હતો અને તે ઈરાનના ચાબહાર બંદરેથી મોકલવામાં આવ્યો હતો. બોટમાંથી પાંચ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, દુબઈથી ઓપરેટ કરતા પાકિસ્તાન-ઈરાનના માફિયા દ્વારા તેઓને કામ રાખવામાં આવ્યા હતા. ઓપરેશન સાગરમંથન-1 હેઠળ નેવી, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને ગુજરાત પોલીસની સંયુક્ત ટીમ છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઇનપુટ્સ પર કામ કરી રહી હતી, જેની મદદથી ડ્રગના વિશાળ જથ્થાને પકડવામાં સફળતા મળી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ સંયુક્ત ઓપરેશનને “ઐતિહાસિક સફળતા” ગણાવી હતી અને આ ઓપરેશનને સરકારની રાષ્ટ્રને ડ્રગ-મુક્ત બનાવવાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો ગણાવ્યો હતો. ગુજરાત ATSના અધિકારીએ જણાવ્યું હતું કે કે જપ્ત કરાયેલા ડ્રગ્સની ગેરકાયદેસર બજારમાં કિંમત આશરે રૂ. 1,500 કરોડ છે. ચોક્કસ સૂચનાના આધારે અરબી સમુદ્રમાં ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પાસે નેવી સાથે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેવીના પ્રવક્તાએ X પર જણાવ્યું હતું કે લાંબા અંતરના મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ P8I, એક યુદ્ધ જહાજ અને હેલિકોપ્ટરને શંકાસ્પદ બોટને પકડવા માટે મોકલવામાં આવ્યા હતા. NCB સાથે સહિયારા પ્રયત્નોને કારણે આ ઓપરેશન શક્ય બન્યું હતું. NCBએ જણાવ્યું હતું કે, પેકેટ પર ‘રાસ અવદ ગુડ્સ કંપની, પ્રોડક્ટ ઓફ પાકિસ્તાનના’નો સ્ટેમ્પ જોવા મળે છે.
NCBના ડાયરેક્ટર જનરલ એસ એન પ્રધાને દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “તસ્કરો સંવેદનશીલ અરબી સમુદ્રનો ઉપયોગ કરીને ભારતીય દરિયાકાંઠામાં ડ્રગ્સ ઘુસાડવા પ્રયત્નો કરી રહ્યા છે. તેઓ ડ્રગ્સનો ઉપયોગ કરીને દેશને અસ્થિર બનાવવાઈચ્છે છે.” એક અધિકારીના જણાવ્યા જણાવ્યા મુજબ, “આ ડ્રગ્સ અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવ્યું હતું અને તેને ઈરાનના બંદર પર લોડ કરવામાં આવ્યું હતું હતો. 2022 કેરળના ડ્રગ્સ જપ્તીમાં સામેલ સિન્ડિકેટ પણ આ કેસમાં સામેલ હતી.” એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ઓપરેશન્સ) જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા વિદેશીઓ પાકિસ્તાની અથવા ઈરાની છે. તેમણે કહ્યું કે “જો કે, તેમની પાસેથી કોઈ ઓળખપત્રો મળ્યા નથી. આ માણસો પાસેથી એક થુરાયા સેટેલાઇટ ફોન અને ચાર મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે પેકેટ પર પાકિસ્તાની ફૂડ કંપનીનું નામ હોવાથી, આ સિન્ડીકેટમાં પાકિસ્તાનનો હાથ હોવાની શંકા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, જથ્થાને તમિલનાડુ મોકલવામાં આવી રહ્યો હતો, ત્યાંથી અન્ય બોટમાં મારફતે કદાચ શ્રીલંકા લઇ જવાનું આયોજન હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઑક્ટોબર 2022 માં NCB, નેવી અને કોસ્ટલ પોલીસ સાથે સંયુક્ત ઓપરેશનમાં, કેરળના કોચી નજીક ઈરાની બોટમાંથી 200 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં છ ઈરાનીઓની ધરપકડ કરવામાં આવી હતી.