સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો આજથી પ્રારંભ
અમદાવાદ: દેશના બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પંચ દિવસીય કાર્તિકી પૂર્ણિમા મેળો તા ૨૨ નવેમ્બરથી ૨૬ નવેમ્બર સુધી યોજાશે. હાલ તો મેળાના આયોજન અંગે તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અહીં સ્ટોલ્સ, રાઇડ્સને જગ્યા ફાળવી દેવામાં આવી છે. પરંપરાગત મેળાની માહિતી આપતા સોમનાથ મંદિર ટ્રસ્ટના ઈન્ચાર્જ જનરલ મેનેજરે જણાવ્યું હતું કે, સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. લોકમેળાની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ૨૨મીએ સાંજના ૫.૩૦ કલાકે ઢોલ-શરણાઈ, પવિત્ર વેદમંત્રોચ્ચાર અને આતશબાજીની ધુમધડાકા સાથે પંચદિવસીય મેળાનું ઉદઘાટન થશે. આ વરસે સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળો પવિત્ર ત્રિવેણી સંગમ પાસે આવેલા ગોલોકધામ મેદાનમાં યોજાશે. મેળો પ્રથમ સોમનાથ મંદિર સાનિધ્યે યોજાતો હતો. બાદમાં સોમનાથ સમુદ્ર બીચ ઉપર અને ત્યાર બાદ વર્ષ ૨૦૧૪ સુધી ગોલોકધામ અને વર્ષ ૨૦૧૫થી બાયપાસ ઉપર યોજાતો રહ્યો છે, પરંતુ આ વરસે તે સ્થળે હાઇવે બ્રીજનું કામ ચાલુ હોઇ તેનો સામાન પડેલો હોઇ ત્યાં યોજવો અશક્ય છે. જેથી ફરી વર્ષ ૨૦૨૩માં ગોલોકધામ મેદાનમાં મેળો યોજાશે. અહીં મેળાના સ્ટોલ-પ્રદર્શન માટેની જગ્યાઓ ફાળવાઈ ગઈ છે. સોમનાથમાં પ્રથમ મેળો ૧૯૫૫માં ભરાયો હતો. જે માત્ર એક દિવસનો જ હતો, પરંતુ એ પછી મેળાના દિવસો વધતા જ ગયા છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળે તા.૨૭-૦૨-૧૯૫૫ના રોજ કરેલા ઠરાવ મુજબ દર વરસે કાર્તિક પૂર્ણિમા મેળાનું આયોજન થાય છે. બે દિવસના મેળા બાદમાં ક્રમશ: ત્રણ દિવસ બાદ પાંચ દિવસનો મેળો યોજવામાં આવે છે. અપવાદરૂપે અહીં કોરોના કાળ અને ભારત-ચીન યુદ્ધ સમયે મેળો સદંતર બંધ પણ રહેલ હતો. જ્યારે વર્ષ ૨૦૧૯માં સંભવિત વાવાઝોડાનાં કારણે આઠ નવેમ્બરથી શરૂ થનારો મેળો મોડો એટલે કે ૧૧ નવેમ્બરથી ૧૫ નવેમ્બર સુધી તારીખ પાછી ઠેલી યોજાયો હતો. કાર્તિકી પૂનમની રાત્રિના ૧૨ વાગ્યે ભગવાન શિવની મહાપૂજા થાય ત્યારે ચંદ્ર મંદિરના શિખર ઉપર એવી રીતે ગોઠવાય છે જાણે ભગવાને ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો હોય. એક એવી માન્યતા છે કે કૈલાસ મહામેરુપ્રસાદના નામે ઓળખાતા આ ભવ્ય દેવાલયના શિખરની ઉપર કાર્તિક પૂર્ણિમાની રાત્રિએ ચન્દ્ર એવી વિશેષ રીતે પ્રકાશે છે. ઉ