શામળાજીમાં કારતકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ: ૧૫ લાખથી વધુ લોકો ઊમટશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે પ્રખ્યાત કારતકી પૂર્ણિમાના મેળાનો શનિવારથી પ્રારંભ થયો હતો. આ વર્ષે ૧૫ લાખથી વધુ લોકો ઊમટી પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેને પગલે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. શામળાજીમાં મેળામાં નાગધરા કુંડનું વિશેષ મહત્ત્વ છે. વર્ષોથી ચાલી રહેલી પરંપરા મુજબ કુંડમાં સ્નાન કરવાથી ભૂત, પ્રેત અને બીમારીઓ દૂર થતી હોવાની શ્રદ્ધાળુઓની માન્યતા છે. આજે પણ અનેક લોકો રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીથી સ્નાન કરી નવા કપડાં પહેરીને હાથમાં દીવો લઈ કાળિયા ઠાકરના દર્શન કરે છે. આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોઇ ૫૦થી વધુ એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી છે.
ભારે ભીડને લઈને ત્રણ દિવસ સુધી નેશનલ હાઈવે પર પણ ચક્કાજામ સર્જાઈ શકે છે.
રાજ્ય સહિત દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં આ મેળામાં લોકો આવતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં એક ડીવાયએસપી, ૧૨ પીઆઈ, પીએસઆઈ, ૧૧૦ પોલીસ, ૧૪ મહિલા પોલીસ, ચાર તરવૈયા, ૧૯૩ હોમગાર્ડ પુરુષ, ૧૯ હોમગાર્ડ મહિલા, ૯૫ જીઆરડી પુરુષ, સાત જીઆરડી મહિલા, ૧૦ વોકીટોકી, એક વીડિયોગ્રાફર અને બે બાનોક્યુલર મેળા દરમિયાન ખડેપગે રહેશે.