ડાકોરમાં શિક્ષકે વિદ્યાર્થીને અંગૂઠા પકડવાનું કહી સટાસટ માર્યા 8 લાફા માર્યા
ડાકોરઃ ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોરની ભવન્સ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એક કરાટે શિક્ષક દ્વારા 13 વર્ષીય વિદ્યાર્થીને લાફો મારવાનો મામલો સામે આવ્યો છે. પીડિત વિદ્યાર્થી ધો.5માં ભણે છે અને આણંદના ઉમરેઠનો રહેવાસી છે. કરાટે શિક્ષક રાજકુમાર સોનીએ વિદ્યાર્થીને અંગૂઠા પકડવા કહ્યું હતું. જે બાદ વિદ્યાર્થીને નજીક બોલાવીને 7-8 લાફા માર્યા હતા. ડરના કારણે વિદ્યાર્થીએ ઘરે વાત નહોતી જણાવી. પરંતુ 6 દિવસ બાદ કાનમાં દર્દ અને સોજો વધી જતાં તેણે પિતાને હકીકત જણાવી હતી.
ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી
વિદ્યાર્થીના પિતાએ પહેલા સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરી હતી. સ્કૂલ મેનેજમેન્ટના જવાબથી તેને સંતોષ ન થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન જ્યારે પોલીસે સ્કૂલમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો
સ્કૂલના આચાર્યએ જણાવ્યું, ઘટનાની જાણકારી મળતાં તરત જ સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. શિક્ષકે માફીનામું લખી આપ્યું હતું અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ઠાસરા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ સ્કૂલની મુલાકાત લઈ તપાસ કરી હતી.
Also read: આખરે ડાકોર મંદિરમાં વીઆઇપી દર્શનનો નિર્ણય રદ કરાયો
વિદ્યાર્થીના પિતાએ કહ્યું, તેઓ શિક્ષકને કડકમાં કડક સજા મળે તેમ ઈચ્છે છે. ભવિષ્યમાં કોઈ અન્ય બાળક સાથે આવું ન થવું જોઈએ. આ ઘટના બાદ મારો પુત્ર ડરી ગયો હતો. પરિવારજનો દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.