કાંકરિયા તળાવમાં બેઠક વ્યવસ્થા, સાયકલ ટ્રેક ફરી શરૂ કરવા ભલામણ..

અમદાવાદ: શહેરની સેપ્ટ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં એક પ્રોજક્ટ હાથ ધરવામાં આવ્યો હતો જેના અંતર્ગત કાંકરિયા તળાવની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય અને તેમનો અનુભવ સારો રહે તે હેતુથી કેટલીક સુવિધાઓ ઉભી કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા અહેવાલમાં કાંકરિયાની અંદર સોલાર પેનલ કેનોપી અને મૂવેબલ છત્રીઓનો ઉપયોગ, સાયકલિંગ ટ્રેકને ફરી શરૂ કરવો, પુખ્ત વયના લોકો માટે પ્લે એરિયા-કમ-જીમ જેવી સુવિધાઓ ઉભી કરવા અંગેના સૂચનો અહેવાલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. જો આ સુચનોને ગણતરીમાં લેવામાં આવે તો કાંકરિયામાં પ્રવાસીઓની સંખ્યા 25 ટકા જેટલી વધારવામાં મદદ મળી શકે છે, તેવું તેમણે જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા અહેવાલ તૈયાર કરવા માટે કેટલાક પ્રવાસીઓના મંતવ્યો લેવામાં આવ્યા હતા. આ સરવેમાં પ્રવાસીઓએ કાંકરિયા લેકફ્રન્ટને લગતી કઇ કઇ બાબતોમાં સુધારાની જરૂર છે, તે જણાવ્યું હતું. ઉનાળાની રજાઓમાં કાંકરિયા લેકમાં પ્રવાસીઓ આકરા તડકામાં શેકાતા હોય છે, આ અગવડતા સામે યોગ્ય પગલા લઇને વધુને વધુ શેડ ઉભા કરવા જોઇએ, લેકના ફ્લોરિંગમાં સુધારો, લાઇટિંગ્સમાં સુધારો જેવા અનેક સૂચનો પ્રવાસીઓએ જણાવ્યા હતા.
કાંકરિયા લેકફ્રન્ટમાં અંદાજે 80 લાખ પ્રવાસીઓને સમાવવાની ક્ષમતા છે. વર્ષ 2023માં મુલાકાતીઓની સરેરાશ સંખ્યા 40 લાખ જેટલી હતી, જે કોરોના પહેલા લગભગ 60 લાખ જેટલી થઇ જતી હતી. આથી લેકફ્રન્ટમાં પ્રવાસીઓનો ધસારો વધે તે માટે અમુક સુધારા કરવા જરૂરી છે તેવું પ્રોજેક્ટ હેઠળ કામ કરી રહેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું.
કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરની એક ઐતિહાસિક ધરોહર સમાન છે. રાજા-રજવાડાના સમયમાં આ તળાવને વિકસાવવામાં આવ્યું હતું કે જેથી પાણીની સમસ્યાનું સમાધાન મેળવી શકાય. ધીમે ધીમે તેને શહેરની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળોમાંનું એક ગણીને વિકસાવવામાં આવ્યું.
સેપ્ટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના અહેવાલમાં વિગતો સામે આવી છે, કે કાંકરિયાના ગેટ નંબર-1 અને 3 અને 4માં મોટેભાગે પ્રવાસીઓ જતા નથી. સમગ્ર લેકફ્રન્ટના 50 ટકા જેટલા ભાગની જ પ્રવાસીઓ મુલાકાત લે છે. આખા લેકફ્રન્ટમાં અમુક જ જગ્યાઓ પર શેડ ઉભા કરવામાં આવ્યા છે. શેડની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે પ્રવાસીઓ દિવસ દરમિયાન મુલાકાત લેવાનું ટાળે છે. ઉપરાંત સરવેમાં અંદાજે 75 ટકા જેટલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે કાંકરિયા લેકફ્રન્ટમાં એક વ્યવસ્થિત સાયકલ ટ્રેકની ખાસ જરૂર છે, જો તેના પર ધ્યાન આપવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યા ઘણી વધી શકે એમ છે, તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.