અમદાવાદમાં ફરીવાર યોજાશે કાંકરિયા કાર્નિવલ, 25 ડિસેમ્બરથી થશે પ્રારંભ..
અમદાવાદ: દર વર્ષે અમદાવાદીઓ કાંકરિયા કાર્નિવલની સંગાથે નવા વર્ષને આવકારતા હોય છે, ત્યારે આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનું આયોજન થઇ રહ્યું છે. કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ, ખાણીપીણી વગેરે થતું હોય છે જેને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.
દર વર્ષે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જ કાંકરિયા કાર્નિવલની ઇવેન્ટ્સ યોજાય છે. કડકડતી ઠંડીમાં પણ અનેક લોકો પોતાના પરિવારજનો સાથે કાંકરિયા કાર્નિવલની મુલાકાત લેતા હોય છે. અમદાવાદ જોવા આવતા સહેલાણીઓ માટે પણ તે જોવાલાયક સ્થળોમાંનું એક છે. કાર્નિવલમાં મ્યુઝિક એન્ડ ડાન્સ પર્ફોર્મન્સ, સ્પોર્ટ્સ અને યોગા એક્ટિવિટીઝ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ફાયરવર્ક ડિસ્પલે, લોક ડાયરો, ફૂડ ફેસ્ટિવલ વગેરે યોજાય છે. સાંજે 6 વાગ્યાથી લઇને રાત્રે 9 વાગ્યા સુધી કાંકરિયા કાર્નિવલની મુલાકાત લઇ શકાય છે. કાંકરિયામાં પ્રવેશ ફી 10 રૂપિયા છે. જો કે કાર્નિવલ દરમિયાન ટિકીટના ભાવમાં વધારો થઇ શકે છે.
કાકંરિયા જવા માટે અમદાવાદમાં ગમેતે સ્થળેથી ઓટો દ્વારા પહોંચી શકાય જ્યારે ગીતામંદિર બસ સ્ટેશનથી બસ મળી રહે છે, તેમજ ટ્રેનથી આવતા લોકો માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન મણિનગર રેલવે સ્ટેશન છે.
અમદાવાદમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે વર્ષ 2008-09થી કાંકરિયા કાર્નિવલની શરુઆત તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામા આવી હતી. વર્ષ-2019માં છેલ્લો કાર્નિવલ યોજાય બાદ કોરોનાને કારણે ત્રણ વર્ષ સુધી કાર્નિવલ યોજાયો ન હતો. ત્યારબાદ ગત વર્ષે યોજવાનો નિર્ણય લેવાયો હતો, અને હવે ફરી એક વખત કાંકરીયા કાર્નિવલ યોજવા મ્યુનિ.તંત્ર તરફથી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે.