ડૉ. મનમોહન સિંહનાં નિધન પર AMCનો મોટો નિર્ણય; કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ્દ

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકાએ મોટો નિર્ણય લીધો છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનાં નિધન પર સરકારેસાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેને પગલે કાંકરિયા કાર્નિવલ 31 ડિસેમ્બર સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય શોકને લઈને AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
AMCએ લીધો નિર્ણય
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનાં દેહાંત બાદ તેમના સન્માનમાં સરકારે સાત દિવસનાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા કાર્નિવલમાં લાખોની સંખ્યામાં લોકો મુલાકાત લેતા હોય છે. સાથે જ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ઉલ્લેખનીય છે કે 25મી ડિસેમ્બરના રોજ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2024નો પ્રારંભ કરાવ્યો હતો.
7 દિવસના કાર્યક્રમ રદ્દ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલ 2024નો તારીખ 25 ડિસેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે 31 ડિસેમ્બર સુધી યોજાવાનો હતો. કાંકરિયા કાર્નિવલ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રંગારંગ સાંસ્કૃતિક તેમજ મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાંકરિયા કાર્નિવલ-2024ના 7 દિવસના કાર્યક્રમ માટે 5000 કરોડનો વીમો લેવામાં આવ્યો હતો.
ગઇકાલે થયું અવસાન
ગત રાત્રિએ દિલ્હી AIIMS ખાતે મનમોહન સિંહનું નિધન થયું હતું. તેમના નિધનને લઈને દિલ્હી AIIMS દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં AIIMSએ મનમોહન સિંહનાં નિધનની પૃષ્ટી કરી હતી. તેમને ગુરુવાર રાત્રે 8:06 વાગ્યે એમ્સની મેડિકલ ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. જોકે, તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયા નહોતા અને રાત્રે 9:51 કલાકે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.