ગુજરાત બનશે ગ્રીન એનર્જીનું હબ: કંડલા બંદરે રોજનું ૧૫૦ ટન ઈ-મિથેનોલ પેદા થશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ દરિયાઈ વ્યાપારને કારણે ઉત્પ્ન્ન થનારા, પર્યાવરણ માટે અત્યંત હાનિકારક એવા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મહાબંદર કંડલાને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવાઈ રહ્યું છે એ વચ્ચે ઈ-મિથેનોલના ઉત્પાદન માટે આસામ રાજ્યના ડીબ્રુગઢ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં આસામ પેટ્રો કેમિકલ અને દીનદયાલ પોર્ટ (કંડલા પોર્ટ) વચ્ચે કરાર થયા હતા. શિપિંગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ, આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા શર્માની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં આ સમજૂતી ઉપર ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંઘ દ્વારા કરાર ઉપર હસ્તાક્ષર કરાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, આ ભાગીદારી સ્વચ્છ ઊર્જા, ગ્રીન શાપિંગ અને ટકાઉ આર્થિક વિકાસ માટેના ભારતના લાંબા ગાળાનાં વિઝન સાથે જોડાયેલી વ્યૂહાત્મક રાષ્ટ્રીય પહેલનું પ્રતિનિધિત્વ કરે છે. આ એમઓયુ માત્ર વ્યાપારી ભાગીદારી નથી, પરંતુ સ્વચ્છ ઊર્જા, ગ્રીન શાપિંગ અને ટકાઉ આર્થિક વિકાસ માટેના ભારતના દૃષ્ટિકોણ સાથેની પહેલ છે. આ મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ ભારતના સમુદ્રી વ્યાપારમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનની દિશામાં એક મુખ્ય પગલું હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો…Gujarat માં ગ્રીન એનર્જીને વેગ અપાશે, ઉદ્યોગોને ગ્રીન એનર્જી પૂરી પાડવા સરકારના પ્રયાસો…
૩૫૦૦ લોકોને રોજગારી મળશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પંડિત દીનદયાલ પોર્ટ કંડલાએ બંદર પર અગાઉથી જ પાઇપલાઇન્સ, સ્ટોરેજ સિસ્ટમ્સ અને ઇંધણ-હેન્ડાલિંગ માટેની માળખાંકીય સુવિધા વિકસાવી લીધી છે, ત્યારે એ.પી.સી.એલ. બંદર પર ગ્રીન મિથેનોલ ઉત્પાદન સ્થાપિત કરવા માટે તેની તકનીકનો ઉપયોગ કરવામાં આવશે અને કંડલા બંદરે હરિત ઈંધણનું ઉત્પાદન થશે. આ પ્લાન્ટ અંતર્ગત પ્રતિદિન ૧૫૦ ટન ઈ-મિથેનોલ ઉત્પાદન કરાશે. હાલમાં પ્રતિદિન ૫૦ ટન ઉત્પાદન કરાશે, જ્યારે ભવિષ્યમાં ૧૫૦ ટન સુધી ઉત્પાદન પહોંચાડાશે. આ પ્રકલ્પ અંતર્ગત રૂા. ૧૨૦૦ કરોડથી વધુનું મૂડી રોકાણ કરાશે, અંદાજે ૩૫૦૦ જેટલા લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
આ પ્રકલ્પ કાર્યરત થયા બાદ ભારતના બંદરો ઉપર આવતાં જહાજોને શૂન્ય કાર્બન, પર્યાવરણ અનુકુળ ઈંધણ વિતરણ કરવામાં સક્ષમ બનશે. ઈ-મિથેનોલ ઉત્પાદનથી વધુ ઊંડા સમુદ્રમાં જતાં જહાજો કંડલા બંદર ઉપર આવશે. ઈંધણ પુરાવવા આવતાં જહાજો કાર્ગો પણ લાવશે, જેથી પોર્ટની કાર્ગો હેન્ડલિંગની ક્ષમતામાં પણ વધારો થશે તેવો આશાવાદ આ સમારોહ દરમ્યાન વ્યક્ત કરાયો હતો. ડીપીએ અને એપીસીએલ વચ્ચેની ભાગીદારી ભારતના શૂન્ય કાર્બન ઉત્સર્જનનાં લક્ષ્ય તરફનું એક પરિવર્તનશીલ પગલું છે.
ડી.પી.એના ઉપાધ્યક્ષ નિલાભ્રદાસ ગુપ્તાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર ચાલતાં વિશાળકાય જહાજોને શૂન્ય-કાર્બન યુક્ત ઇંધણ પૂરા પાડવા માટે ગ્રીન બન્કરિંગ હબ ઉપરાંત રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવી રહેલાં બંદરો પૈકીનું એક કંડલા બંદર છે. આ મિશનનો ઉદ્દેશ આગામી છ વર્ષમાં લગભગ પાંચ મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અને નિકાસ કરવાનો છે. આ સુવિધા શરૂ થવાથી કંડલાને સિંગાપોર-રોટરડેમ કોરિડોર પર ચાલતાં જહાજો સહિત આંતરરાષ્ટ્રીય વેપાર માર્ગો પર એક મુખ્ય ગ્રીન ઇંધણ પુરવઠા બિંદુ તરીકે ઊભરી આવશે તેવો આશાવાદ નિલાભ્રદાસ ગુપ્તાએ વ્યક્ત કર્યો હતો.



