અમદાવાદમાં જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણી યોજાઈ
જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણીનું આયોજન અમદાવાદમાં એનેક્સી સર્કિટ હાઉસ ખાતે કરાયું હતું. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને કમિશનના અધ્યક્ષ કે.જી. બાલાકૃષ્ણને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા કરવામાં આવેલી આશરે 150 અરજીઓની મૌખિક રજૂઆત સાંભળી હતી અને 1500થી વધુ લેખિત અરજીઓનો સ્વીકાર કર્યો હતો.
આયોગના અધ્યક્ષ કે.જી. બાલાકૃષ્ણન તેમજ અન્ય સભ્યો અને અધિકારીશ્રીઓ દ્વારા લેખિતમાં કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવી હતી, તથા નાગરિકો અને તેમના પ્રતિનિધિઓની મૌખિક રજૂઆત સાંભળવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક રીતે અનુસૂચિત જાતિના હોવાનો દાવો કરનારા, પરંતુ બંધારણની કલમ 341 હેઠળ સમયાંતરે પ્રસિદ્ધ કરાયેલ રાષ્ટ્રપતિના આદેશમાં જણાવ્યા મુજબના ધર્મો સિવાયના અન્ય ધર્મોમાં પરિવર્તિત થયેલા નવા વ્યક્તિઓને અનુસૂચિત જાતિના દરજ્જા આપવા બાબતની તપાસ તથા અનુસૂચિત જાતિની હાલની યાદીમાં સમાવીને ધર્માંતરણ થયેલ નાગરિકો ઉમેરવાથી વર્તમાન અનુસૂચિત જાતિઓ પર પડનારા અસરોની તપાસ તેમજ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ અને તેમના રીતરિવાજો પરંપરાઓ સામાજિક અને અન્ય દરજ્જાઓ સંબંધી ભેદભાવ અને વંચિતતાના સંદર્ભમાં અન્ય ધર્માંતરણ કરવા માટે જે ફેરફારોમાંથી પસાર થાય છે, તેની તપાસ કરવાની સાથે અનુસૂચિત જાતિનો દરજ્જો આપવાના પ્રશ્નની સમાન પ્રકારે અનુસૂચિત જાતિની વ્યક્તિઓના દરજ્જામાં થયેલ પરિવર્તનની તપાસ અને કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી અને તેની સંમતિથી આયોગ યોગ્ય ઠરાવે તેવા અન્ય પ્રશ્નો સંબંધિત તપાસ કરવા માટે આયોગનું ગઠન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મુંબઈ-અમદાવાદ રૂટ પર દોડશે આ ખાસ વંદે ભારત ટ્રેન, મુસાફરોની મળશે વધુ સુવિધા
આ આયોગમાં સભ્યશ્રી ડૉ. રવીન્દ્રકુમાર જૈન (નિવૃત્ત IAS), સભ્ય પ્રો. (ડૉ.) સુષ્મા યાદવ તથા અસારવાનાં ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા તથા અધિકારીઓ અને અરજીઓ તેમજ રજૂઆત કરવા આવેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.