આ કારણે બંધ કરવો પડ્યો જુનાગઢનો ઉપરકોટ
જુનાગઢના ઉપરકોટના કિલ્લાને જોવા રવિવારે 20,000 જેટલા લોકો ભેગા થઈ જતા આજે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બે દિવસ પહેલા ઉપરકોટ કિલ્લો ખુલ્લો મુકાયા બાદ લોકો માટે જોવાનું જાહેર કરાયાના પહેલા દિવસે 20 હજાર જેટલા લોકો સવારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢમાં 74 કરોડના ખર્ચે રીસ્ટોરેશન કરવામાં આવેલા ઉપરકોટ કિલ્લાનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ થયા બાદ ચાર દિવસ સુધી આમ જનતા માટે નિઃશુલ્ક પ્રવેશ રખાયો હતો. ગત 29મી સપ્ટેમ્બર શુકવારથી 2જી ઓકટોબર સુધી આમ જનતા માટે ઉપરકોટ કિલ્લામાં નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો, ત્યારે પ્રથમ બે દિવસ 7,200 પ્રવાસીઓ, અને બીજા દિવસે 30મીને શનિવારે 18,300 પ્રવાસીઓએ ઉપરકોટની મુલાકાત લીધી હતી, ત્યારે ત્રીજા દિવસે રવિવાર રજાનો માહોલ હોવાથી ઉપરકોટ જોવા માટે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. સવારના આઠ વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં (ચાર કલાક) 20 હજારથી વધુ લોકો ઉમટી પડતા ધક્કામુક્કી થઈ હતી. કિલ્લાના પ્રવેશદ્વારથી લઈને ઉપરકોટ પોલીસ ચોકીના સાંકડા માર્ગ પર સામ-સામે પ્રવાસીઓનો ધસારો વધતા સ્થિતિ વધુ ન વણસે તે માટે ટ્રાફિક પોલીસ, ડીવાયએસપી સહિતનો કાફ્લો દોડી આવ્યો અને ઉપરકોટમાં રહેલા પ્રવાસીઓને ધીમેધીમે સમજાવીને હળવે હળવે બહાર નીકળવા અપીલ કરીને સ્થિતિને કાબુમાં લીધી હતી. બપોર પછીથી ઉપરકોટ માં લોકો માટે પ્રવેશ બંધ કર્યો હતો.
છેલ્લા ત્રણ દિવસમાં 45 હજાર કરતાં વધુ લોકો ઉપરકોટની મુલાકાત લીધી હતી. ત્યારે અગાઉના બે દિવસની સ્થિતિ જોઇને ખરેખર તંત્ર દ્વારા તેમજ એજન્સી દ્વારા પ્રવાસીઓની સલામતી, સુરક્ષા માટે પૂરતા પગલા લેવાની જરૂર હતી, જેમાં ક્યાંકને ક્યાંક ચૂક થઈ હોવાનું નજરે ચડી રહ્યું હતું. અમુક ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલા અંસખ્ય લોકો તો કિલ્લો નિહાળવા એક કિલોમીટર સુધી બહાર રાહ જોઇને ઊભા હોવાના દૃશ્યો સર્જાયાં હતાં.