જૂનાગઢમાં હૉસ્પિટલ સારી, પણ એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓ પરેશાન
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પાયાની ગણાતી એમ્બ્યુલન્સની સુવિધાની અછત છે. પાંચ જિલ્લાના દર્દી જયાં સારવાર લેવા આવે છે અને 800 બેડ ધરાવે છે તે સિવિલ હોસ્પિટલમાં માત્ર 3 જ એમ્બ્યુલન્સ છે અને તે પણ બે લાખ કિલોમીટરથી વધુ ચાલી ગઇ છે. આથી વધારાની એમ્બ્યુલન્સ ફાળવવા રજૂઆત કરાઇ છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અંગે પાલિકાના હોદ્દેદારોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલને પત્ર પાઠવી રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે જૂનાગઢને રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે સિવીલ હોસ્પિટલની સુવિધા આપી છે. જૂનાગઢ ઉપરાંત ગિર સોમનાથ,પોરબંદર, રાજકોટ,અમરેલી જિલ્લામાંથી પણ દર્દીઓ સારવાર લેવા આવે છે. પરંતુ સિવિલમાં એમ્બ્યુલન્સની અછત છે. આથી અનેક વખત દર્દીઓને ખાનગી એમ્બ્યુલન્સ મંગાવવી પડે છે. આમ દર્દીની સંખ્યા મુજબ એમ્બ્યુલન્સની સંખ્યા વધારવી જરૂરી છે. હાલમાં એમ્બ્યુલન્સની અછતના કારણે અનેક ગરીબ પરિવારોને ના છૂટકે ખાનગી અને મોંઘી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી વધારાની એમ્બ્યુલન્સ તાત્કાલીક ફાળવે જેથી દર્દીઓને એમ્બ્યુલન્સ માટે વધુ ભાડું ચૂકવવું ન પડે.