દાંડિયા રમતા રમતા યુવાનનો દમ નીકળી ગયોઃ બે દિવસમાં ચાર ઘટના

નાની ઉંમરે સ્વસ્થ હોય તેવા યુવાનોના હાર્ટ એટેકથી થતાં મોતનો સિલસિલો ચાલુ જ છે. ગઈકાલે રાજકોટમાં 20થી 45 વર્ષના ત્રણ યુવાન એટેક આવતા ઢળી પડ્યા હતા. ત્યારે જૂનાગઢમાં ફરી યુવાનના મૃત્યુની ઘટના જાણવા મળી છે.
અહીં 24 વર્ષીય યુવકને દાંડિયાં રમતાં રમતાં જ હાર્ટ એટેક આવતાં તે ઢળી પડ્યો હતો. સ્થાનિકોએ પ્રાથમિક સારવાર આપી તાબડબોડ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ડોક્ટરે મૃત જાહેર કરતાં પરિવાર માથે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.
જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતો ચિરાગ પરમાર નામનો 24 વર્ષીય યુવાનને દાંડિયા રમવાનો શોખ હતો. જે છેલ્લાં 10 વર્ષથી દર વર્ષે નવરાત્રિ પહેલાં દાંડિયા ક્લાસીસમાં જતો અને નવરાત્રિમાં આ યુવાન દાંડિયા રમતો હતો. દાંડિયામાં ઘણા પુરસ્કાર મેળવી ચૂકેલો ચિરાગ પરમાર ગઇકાલે જૂનાગઢના જોષીપરા ખાતે આવેલા એક દાંડિયા ક્લાસીસમાં સાંજના 8:00 વાગ્યાના સમયે ગયો હતો અને ત્યાં દાંડિયા રમવા લાગ્યો હતો. જ્યાં તેને ચક્કર આવતાં તે બેભાન થયો હતો. તેની આસપાસના લોકોએ ચિરાગને પ્રાથમિક સારવાર આપી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના ડોક્ટરોએ ચિરાગને મૃત જાહેર કર્યો હતો અને પીએમ રિપોર્ટમાં ચિરાગ પરમારનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું.