વાહનચાલકો સુધરતા નથીઃ Gujaratમાં ચાર જણે હીટ એન્ડ રનમાં જીવ ગુમાવ્યા
અમદાવાદઃ દરેક અકસ્માત બાદ ટ્રાફિક પોલીસ સહિત તમામ વાહન ચાલકોને સલાહ સૂચનો આપે છે, પરંતુ બેફામ થઈ ગયેલા વાહનચાલકો અને ખાસ કરીને કાર લઈને ફરતા નબીરાઓ પોતાની કે બીજાની જિંદગીની પરવા કરતા નથી. અમદાવાદ અને જૂનાગઢમાં ફરી હીટ એન્ડ રનના કેસમાં ચાર જણે જીવ ગુમાવ્યો છે, જેમાં ત્રણ યુવા મિત્રો અને વરિષ્ઠ મહિલાનો સમાવેશ થાય છે.
જૂનાગઢમાં આજે બનેલી હિટ એન્ડ રનમાં 3 યુવકોનાં મોત થયા છે. જેમાં કારચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત થયો છે. બાઈક પર બેસેલા ત્રણ યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે અજાણ્યો કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો છે. આ અકસ્માત બાટવાના પાજોદ ગામ પાસે થયો છે. જેમાં બાઇક પર ત્રણ મિત્રો સવાર હતા.
3 યુવકના મોતથી પંથકમાં ગમગીની છવાઈ છે. તેમજ પોલીસે અજાણ્યા કારચાલકની શોધખોળ હાથ ધરી છે. બીજી બાજુ અમદાવાદમાં વસ્ત્રાલ પાસે એક સ્કૂટર પર જતી મહિલાને અજાણ્યા વાહને ઠોકર મારતા તે ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. 65 વર્ષીય મહિલા સવાલે શાક લેવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી.
અગાઉ જૂનાગઢમાં બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત થયું હતું. જોકે મૃતક મહિલાનાં ભાઈની ફરિયાદ બાદ ઘટના હત્યા હોવાની માલૂમ પડે છે. પોલીસે હવે એ દિશામાં તપાસ આદરી હોવાની માહિતી મળી છે.