જૂનાગઢ-ગીર-સોમનાથની નદીઓ છલકાઈ, ત્રણ દિવસના સતત વરસાદ બાદ આજે ઉઘાડ નીકળતા રાહત

ગીર-સોમનાથઃ ગીરના જંગલમાં મેઘરાજા મુશળધાર વરસી પડતા ગીર સોમનાથ જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર નવા નીરની આવક નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં હિરણ-1માં 9.5 ફૂટ, હિરણ-2માં 10 ફૂટ જ્યારે શિંગોડા ડેમમાં 13 ફૂટ નવા નીરની આવક થઈ છે.
મળતી માહિતી મુજબ ગીર જંગલમાં તેમજ ડેમના ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે જિલ્લાના જળાશયોમાં થયેલા નોંધપાત્ર નવા નીરની આવકના પગલે સિંચાઈ અને પીવાના પાણીની રાહત સર્જાતા ખુશીનો માહોલ સર્જાયો છે.
ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ અવિરત વ્હાલ વરસાવ્યું હોય તેમ સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો છે. ગીર જંગલમાં અનરાધાર વરસેલા વરસાદના પગલે છેલ્લા 24 કલાકમાં ગીર જંગલ મધ્યે આવેલા હિરણ-1 કમલેશ્વર ડેમમાં 9.5 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. આવી જ રીતે જિલ્લાનો સૌથી મોટો જળાશય અને વેરાવળ નગરપાલિકા તેમજ 42 ગામ જૂથ યોજના મારફતે લાખો નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડતા હિરણ-2 ઉમરેઠી ડેમમાં છેલ્લા 24 કલાકમાં 10 ફૂટ નવા નીર આવતા ડેમમાં 6.50 ફૂટ પાણીનો જીવંત જથ્થો નોંધાયો છે. આ ઉપરાંત કોડીનારના શિંગોડા ડેમમાં પણ 13 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે.

જૂનાગઢમાં ગઈકાલે બારે મેઘ ખાંગા
છેલ્લા બે દિવસમાં જુનાગઢ જિલ્લો પાણીમાં તરબોળ થઈ ગયો છે. અહીં લગભગ 24 કલાકમાં 12 ઈંચ કરતા વરસાદ વરસ્યો છે. ત્રણેક દિવસથી અહીં સતત પાણી વરસ્યા કરતું હતું ત્યારે આજે થોડો ઉઘાડ નીકળો હોય જનજીવન થાળે પડી રહ્યું હોવાના સમાચારો છે.
ગિરનાર પરથી પાણીના ધોધ શહેર તરફ આવતા તળેટી તથા દામોદર કુંડમાં પાણી બે કાંઠે વહે છે. ગામનું એકમાત્ર નરસિંહ તળાવ પણ ભરાઈ ગયું છે.
આ પન વાચો : GST completes 7 years: એક દેશ એક કરનું સૂત્ર કેન્દ્રને ફળ્યું

શહેરના નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી હવે ગંદકી અને બીમારીનો ભય લોકોને સતાવે છે. ગયા વર્ષે જૂનાગઢમાં એકસાથ વરસેલા 15 ઈંચ વરસાદે ભારે તબાહી સર્જી હતી અને વહી જતી ભેંસોના વીડિયો વાયરલ થયા હતા. જોકે તંત્રએ આ અનુભવો પરથી ખાસ કંઈ બોધપાઠ ન લીધો હોય તેમ દર વર્ષની માફક આ વર્ષે પણ રાયજીબાગ વિસ્તારમાં પાણી ભરાતા મકાનો તથા વાહનોમાં નુકસાન થયું છે.
ઠેરઠેર પાણી ભરાતા અને વરસાદ સતત ચાલુ રહેતા લોકોને ગયા વર્ષના ભયાનક દિવસોની યાદ આવી ગઈ હતી, પરંતુ આજે વરાપ નીકળતા અને સૂર્ય દેવના દર્શન થતાં લોકોએ રાહત અનુભવી હતી.