આપણું ગુજરાત

જૂનાગઢના રવની ગામમાં પિતા-પુત્રની હત્યાના કેસમાં 7 લોકોની ધરપકડ, એક આરોપી ફરાર

જુનાગઢ: જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામમાં પિતા-પુત્રની કરપીણ હત્યાના કેસમાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ જૂની અદાવતમાં આ 8 લોકોએ પિતા-પુત્રની હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે તમામ આરોપીઓની રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી હતી. ગત 13મી મેના રોજ મોડી રાત્રે રવની ગામમાં પિતા-પુત્રની હત્યા કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ લોકોએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે નાના એવા ગામમાં ડબલ મર્ડરથી સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

આ મામલાની વધુ માહિતી આપતાં એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું કે 13 મેના રોજ રફીક સાંધ અને તેમના પુત્ર જીસાન સાંધની રવની ગામના ખેતરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંને લોહીથી લથપથ લાશો ખેતરમાં પડેલી મળી આવી હતી. મૃતકના પરિજનોની ફરિયાદના આધારે પોલીસે મુખ્ય બે આરોપીની જયપુરથી અને અન્ય પાંચની જૂનાગઢના જુદા જુદા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે.

હત્યાના કારણો અંગે જાણકારી આપતા એસપીએ જણાવ્યું કે ગયા વર્ષે ખતરનાક ગુનેગાર જુસાબ અલ્લાહ રખાના ભત્રીજા સલીમ સાંધની હત્યા કરવામાં આવી હતી. જેમાં રફીક સાંધ અને જીશાન સાંધ સામેલ હતા. આ અદાવતના કારણે સલીમ સાંધના સંબંધીઓએ રફીક સાંધ અને તેમના પુત્ર જીસાન સાંધની હત્યા કરી નાખી હતી. જુસાબ અલ્લાહ રખા હજુ જેલમાં છે, તેની ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું કે પહેલા બે મુખ્ય આરોપી જયપુરથી ઝડપાયા હતા. આ પછી અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એક આરોપી લતીફ સાંધ હજુ ફરાર છે. તેની શોધખોળ માટે વિવિધ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આરોપીઓના નામ હુસૈન સાંધ, પોલા સાંધ, રહીમ સાંધ, જુમ્મા સાંધ, ઈસ્માઈલ, હનીફ અને અબ્દુલ સાંધ છે. જ્યારે લતીફ સાંધ પેરોલ પર બહાર આવ્યો હતો, ત્યાર બાદ તે ફરાર થઈ ગયો છે. આ હત્યામાં વપરાયેલ હથિયારો દેશી બનાવટની પિસ્તોલ અને 40 જીવતા કારતૂસ પોલીસે જપ્ત કર્યા છે, આ ઘટના બાદ ગામમાં ભયનો માહોલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button