સિવિલમાં બે મહિના દરમ્યાન 1168 બાળકોનો જન્મઃ 736 નોર્મલ ડિલીવરી
સરકારી સેવાઓનો લોકો ફાયદો લે ત્યારે તે સમગ્ર તંત્રની સફળતા કહેવાય. સરકારી કરતા ખાનગી સેવાઓ ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય માટે લેવામાં આવે છે. બીમાર થઈએ એટલે ખાનગી ડોક્ટર પાસે દોટ મૂકવામાં આવે છે. જોકે સરકારી સેવાઓ ગરીબવર્ગ મોટા પ્રમાણમાં મેળવે છે, પરંતુ ગાંધીનગરની સિવિલ હૉસ્પિટલમાં માત્ર ગરીબ નહીં શ્રીમંતો પણ ઉપચાર માટે આવે છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે મહિના દરમ્યાન ગત વર્ષ કરતા પણ વધુ ડિલીવરી થઇ છે. જુલાઇ અને ઓગસ્ટના ફક્ત ૬૨ દિવસો દરમ્યાન સિવિલમાં ૧,૧૬૮ બાળકોએ જન્મ લીધો છે. જેમાં ૭૩૬ નોર્મલ ડિલીવરીથી બાળક જનમ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
સામાન્યરીતે સમગ્ર ભારતમાં જુલાઇ અને ઓગસ્ટ માસમાં બાળકો જન્મવાનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે ગત વર્ષ ૨૦૨૨ના જુલાઇ-ઓગસ્ટ દરમ્યાન કુલ ૧,૧૩૩ જેટલી ડિલીવરી થઇ હતી તે તે વખતનો વિક્રમ હતો પરંતુ આ વર્ષ તે વિક્રમ તૂટી ગયો છે અને વર્ષ ૨૦૨૩ના જુલાઇ-ઓગસ્ટના ૬૨ દિવસ દરમ્યાન ૧,૧૬૮ ડિલીવરી કરાવવામાં આવી છે. જેમાં ૭૩૬ નોર્મલ ડિલીવરી કરાવવામાં આવી છે. જ્યારે ૧૫૯ હાઇરિસ્ક સગર્ભા હોવાની સાથે કુલ ૪૩૧ ગર્ભવતી મહિલાની સિઝરીયાન કરીને ડિલીવરી કરાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તજજ્ઞાોની ટીમ, ગાયનેકનું અલગ આઇસીયુ, બાળકો માટે પણ સારા ડોક્ટરો તથા પેટી સહિત એનઆઇસીયુની વ્યવસ્થાને કારણે સિવિલમાં ડિલીવરી કરાવવા દર્દીઓ વધુ વિશ્વાસ રાખે છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં નોર્મલ થઇ શકે તેમ હોવા છતા ઘણા ડોક્ટરો સિઝરીયન કરવાનો આગ્રહ રાખે છે.