…જો મારી સાથે આવો ભેદભાવ થતો હોય તોઃ ગિફ્ટ સિટિમાં કામ કરવાના સપના સાથે આવેલા યુવાનની ટ્વીટે ગુજરાતમાં જગાવ્યો વિવાદ
ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમાં બનવવામાં આવી રહેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક(GIFT) સિટીને ભવિષ્યના શહેર તરીકે વિશ્વ સમક્ષ રજુ કરવામાં આવી રહ્યું છે. ફાઈનાન્સિયલ ટેકનોલોજી સાથે સંકળાયેલી દેશ-વિદેશની કંપનીઓને અહીં રોકાણ માટે આકર્ષવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ કંપનીના ઉચ્ચ પદાધિકારીઓને સાથે જાતિગત ભેદભાવ થઇ રહ્યાના અહેવાલ છે. જેપી મોર્ગનના વાઈસ પ્રેસિડેન્ટે એક સોસાયટીના સભ્યો સામે ગંભીર આરોપ લગાવ્યા છે.
GIFT સિટીમાં મલ્ટી નેશનલ ફાઈનાન્સ કંપની JP Morganને પણ રોકાણ કરી ઓફીસ શરુ કરી છે, અહીં કામ કરતા કર્મચારીઓ ગાંધીનગરમાં રહેવાનું પસંદ કરે છે. એવામાં કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ અનિરુધ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ગુજરાતના ગિફ્ટ સિટી પાસે રહેણાંક સોસાયટીમાં ફ્લેટ ખરીદતી વખતે તેમને જાતિગત ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
X પર પોસ્ટ્ કરીને અનિરુદ્ધ કેજરીવાલે જણાવ્યું હતું કે, ” ગુજરાતના ગાંધીનગરમાં આવેલી સંત વિહાર 1 સોસાયટીમાં સ્પષ્ટ જ્ઞાતિ ભેદભાવનો સામનો થતા આઘાત મને લાગ્યો. એક ફ્લેટ ખરીદવાનો મારો પ્રયાસ એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયો, કારણ કે સોસાયટીનું મેનેજમેન્ટ મારી જાતિના કારણે મારા પ્રવેશ પર રોક લગાવી રહ્યું છે.”
ગુજરાત પોલીસ, ગુજરાતના મુખ્ય પ્રધાન અને અન્ય અધિકારીઓને ટેગ કરતાં અનિરુધ કેજરીવાલે લખ્યું કે, “એડવાન્સ ચૂકવ્યા પછી, વેચાણ ડીડને આખરી ઓપ આપવાની તાજવીજ ચાલી રહી હતી. પરંતુ સોસાયટીમાંથી NOC આપવા પર વેચનારની આનાકાનીએ પ્રથમ સંકેત હતો. મને બહુ ઓછી ખબર હતી, વાસ્તવિક મુદ્દો વધુ ગહન હતો.”
વધુ એક પોસ્ટમાં તેમણે લખ્યું કે,”જ્યારે સોસાયટીના ચેરમેન અને મેનેજમેન્ટે ખુલ્લેઆમ ‘અન્ય’ જ્ઞાતિના લોકોને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો ત્યારે મારી શંકાની પુષ્ટિ થઈ. ગુજરાતના પાટનગરમાં, આમ ખુલ્લેઆમ ભેદભાવ થવાને કારણે મને આઘાત લાગ્યો.”
અનિરુધ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે લગભગ 30 લોકો ભેગા થઇ ગયા હતાં અને તેમને ધમકીઓ આપવામાં આવી. લોકોએ તેમને કહ્યું કે તેઓ અહિયાં રહેવા આવશે તો પરિણામ ભોગવવું પડશે. તેમણે લખ્યું કે તેઓએ વંશ અને જાતિના પુરાવાની માંગણી કરી, મેં નિરાકરણની આશામાં દબાણ હેઠળમેં તેમને પુરાવા આપ્યા.
અનિરુદ્ધ કેજરીવાલે કહ્યું, “આ ભેદભાવને કારણે મારી તમામ તૈયારીઓ, નાણાકીય રોકાણોથી માંડીને વ્યક્તિગત વ્યવસ્થાઓ સુધી, હવે અસમંજસમાં છે. ભારતની વિકાસ કથાનું નેતૃત્વ કરતા રાજ્યમાં ઇનક્લુઝીવ ઇન્ડિયાનું વિઝન વેરવિખેર લાગી રહ્યું છે. મુંબઈમાં મારું જીવન છોડીને અને સિંગાપોર જવાની તક છોડીને મેં ગુજરાતની પસંદગી કરી હતી, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મને આવા ભેદભાવનો સામનો કરવો પડશે.”
અનિરુદ્ધ કેજરીવાલે કહ્યું, “આ અનુભવ દુઃસ્વપ્નથી ઓછો નથી. મેં આશા સાથે પસંદ કરેલી જગ્યામાં આવી રીતે ખુલ્લે આમ જાતિવાદનો સામનો કરવાની પીડા અવર્ણનીય છે.”