આપણું ગુજરાત

કોંગ્રેસની ન્યાય યાત્રામાં લાલઘૂમ જિગ્નેશ મેવાણીના સરકારને અણિયાળા સવાલ

કોંગ્રેસની ન્યાય યાત્રામાં લાલઘૂમ જિગ્નેશ મેવાણીનો સવાલ, સારા અધિકારીને તપાસ આપવા હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને પેટમાં કેમ દુખે છે ?

ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાના ત્રીજા દિવસે યાત્રા રાજકોટ પહોચી હતી. મોરબી ઝૂલતા પૂલ કાંડ કે રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ જેવી ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસે યાત્રા કાઢી છે. રાજકોટ, મોરબી, વડોદરા અને સુરત ખાતે બનેલી દુર્ઘટનાઓ સરકારી તંત્ર અને ભાજપના પાપે બનવા પામી છે. આ દુર્ઘટનાઓમાં અનેક પરિવારોએ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે, માટે સરકારની વિરોધમાં આ ન્યાયયાત્રાનું મિશન શરૂ કરવામાં આવ્યું છે.

ટંકારાથી શરૂ થયેલી ન્યાય યાત્રા સાંજે રાજકોટના ઢેબરચોકમાં એક સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, લાલજી દેસાઈ, જીગ્નેશ મેવાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ન્યાય યાત્રાના સાથીઓ અને રાજકોટ અગ્નિ કાંડના પીડિતોને સંબોધતા કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, તપાસ કરી રહેલા IPS અધિકારીઓમાં એટલી પણ કરોડરજ્જુ બચી હશે કે, એમના મા જણ્યા સગા ભાઈનું ખૂન ભાજપનો કોઈ કેબિનેટ મંત્રી કરે તો હું નથી માનતો કે એમનામાં સચોટ તપાસ કરવાની તાકાત હોય. દારૂ, ડ્રગ્સ, ગાંજામાંથી રૂપિયા નથી કમાતા તેવા ચાર પાંચ અધિકારીઓ બચ્યા છે, તેમને તપાસ નહીં આપવામાં આવે. સારા અધિકારીને તપાસ આપવા હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને પેટમાં કેમ દુખે છે? કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે પીડિત પરિવારો માટે લડીશું. તિરંગાનું સન્માન કરવાની જવાબદારી ભાજપના ગદ્દારોની નથી. કોંગ્રેસનો સિપાહી સ્વતંત્રતાની લડાઈમાં છાતીએ ગોળી ખાતો હતો.

તો ન્યાય યાત્રાને સંબોધતા કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ અને રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. શક્તિસિંહે કહ્યું કે,ખુદ તકલીફ ઉઠાવી લોકોની વચ્ચે જાય તો લોકશાહીમાં આપણે લોકસેવક કહેવાય. જીગ્નેશ મેવાણી, લાલજીભાઇ અને પાલભાઈએ આવી મારી પાસે ન્યાય યાત્રા માટે મંજૂરી માંગી હતી. આસાન નથી હોતું. ગૌરવ સાથે કહીશ કે કન્યા કુમારીથી કાશ્મીર સુધી 4500 કિલોમીટર કોઈ ચાલ્યું હોય તો એ રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી છે. પગમાં ઇજા હોવા છતાં તેઓ ચાલ્યા હતા. આજે મોરબીના પુલ તૂટે નિર્દોષ લોકોના જીવ જાય, TRPમાં આગ લાગે બાળકો ખાખ થાય, આજે પણ એ સમય યાદ કરી તો ઊંઘ હરામ થઇ જાય છે. સવદેનશીલતા હોવી જોઈએ. ગરીબને તકલીફ પડે તો લોકોની વચ્ચે જઇ સત્તાની ખુરશીએ બેઠેલાને આંસુ આવવા જોઈએ પણ આ લોકોને નથી આવતા. રાજકોટ જડબેસલાક બંધ રહ્યું હતું.ભાજપના લોકો પીડિતોને મળવા તૈયાર ન હતા આજે વારંવાર મળવા જવું પડે છે. ભાજપના ભ્રષ્ટાચારના ઘડામાં આવતા પ્રશ્નો જરૂર પડ્યે વિધાનસભા અને લોકસભામાં પણ ઉઠાવીશું. પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે છે. ખેડૂત ઉપર લાગતા GST ન ઘટાડે એ વ્યાજબી નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ પર 18% GST લેવામાં આવે છે. લોકોના આશીર્વાદથી સત્તા આવે તો અહંકાર ન હોવો જોઈએ. વિવેક સાથે સેવા કરવી જોઈએ.

કોંગ્રેસની આ ન્યાય યાત્રા આગામી 23 મીએ ગાંધીનગરમાં સમાપ્ત થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button