જેતપુરમાં યુવાનને ભરખી ગયેલા ભાડિયા કૂવાનો ઇતિહાસ, મહાકાય કૂવાને કેમ ઢાંકવો? તંત્ર સામે મોટો પડકાર
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુરના નાજાવાળા પરા વિસ્તારમાં રાજાશાહી વખતનો એક મહાકાય કૂવો છે. આ કૂવામાં એક યુવાન પડી જતાં તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો. અહેવાલો પ્રમાણે 28 વર્ષનો મૃતક યુવાન દિપક ભીખુભાઈ વણાલ કૂવામાં નાહવા પડ્યો હતો અને અકસ્માતે ઊંડા કૂવામાં ગરક થઈ ગયો હતો. શરીરે ઇજાઓ થતાં અને ડૂબી જવાથી પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. પરંતુ અહી સવાલ એ થાય છે કે તંત્રની માલિકી હેઠળ આવતો આ કૂવા પર આટલો ‘સેફ્ટી’નો અભાવ કેમ? વિશાળ ખુલ્લા મહાકાય આ ‘મોતના કૂવા’ પર કોઈ ચેતવણી દર્શક સાઇન બોર્ડ કે કોઈ સુરક્ષાના પગલાં કેમ નહીં? જ્યારે શહેરના કૂવાઓને પાક્કા સ્લેબ ભરીને પણ ઢાંકી દેવાયા છે.
જેતપુરના જાણીતા ઉદ્યોગપતિ, લેખક અને ઇતિહાસ રસિક ગુણવંતભાઈ ધોરડા તેમજ શિક્ષક પ્રોફેસર લેખક ભૂપેન્દ્રસિંહ અભાણીએ મુંબઈ સમાચારને જણાવે છે કે રાજાશાહીમાં જેતપુર “નપાણિયું” કહેવાતું. પાણીની આ સમસ્યાને કારણે જેતે સમયમાં જેતપુરમાં કોઈ વ્યક્તિ દીકરી પરણાવવા પણ રજી ન હતું. બે ચાર ગાવ દૂરથી , પાણીની હેલ, ગાગર, બેડા માથા ઉપર લઈ ભાદરમાંથી પાણી ભરી ભદ્રેશ્વર મંદિર આસપાસમાંથી સો દોઢસો ફુટ ચઢાણ ચડી, ગોંડલ દરવાજા પાસે આવી શકાતું હતું. પોતાના ગામની મહિલાની આ મુશ્કેલી જોઈ જેતપુર દરબારે બ્રિટિશ પોલિટિકલ એજન્ટ મેજર સી.ડબ્લ્યૂ.એલ. હાર્વે એમ. સી. બ્રિટિશ પોલિટિકલ એજન્ટ વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીના હસ્તે પગથિયાં બનાવી લોકાર્પણ કર્યું. જે આજે પણ” હાર્વેઘાટ” તરીકે ઓળખાય છે.
પહેલાના સમયમાં પાણીના સ્ત્રોત તરીકે કુવા હતા. તેમાં મોટાભાગે કણબીએ પોતાની વાડીમાં પિયત માટે બનાવેલ કૂવાઓ હતા. તેમાં હાલનો એક કૂવો ગોપા પટેલની વાડીનો કૂવો જે “ગોપાવાડી” તરીકે ઓળખાય છે. બીજો કૂવો બાવાવાળા પરામાં છે જે ઝીણા પટેલ (ઝીણા બોખા)ની વાડીનો કૂવો જે હાલમાં “ઝીણાબોખા”ના કુવા તરીકે ઓળખાય છે.
બીજા કૂવાઓ શ્રેષ્ઠીઓ પોતાના સ્વર્ગસ્થ પરિવારની યાદમાં કૂવાઓ ગળાવી જનતા માટે ખુલ્લા મુકતા એવો જ એક કૂવો ખોડપરામાં નાગર શ્રેષ્ઠી જયસુખલાલ બક્ષીએ પોતાના ધર્મપત્ની રમાગૌરીની કાયમી યાદમાં “રમાવાડી” અર્પણ કરેલ છે. તેવો જ મસમોટો કૂવો જેને કાઠિયાવાડની તળપદી બોલીમાં “ભાડીયો”( જિલ્લો) કૂવો કહેવામાં આવે છે તે “ભાડીયો” કૂવો, જે લોકજાણકારી મુજબ જેતપુરના ભાગીદાર નાઝાવાળાએ બંધાવી આપ્યો હતો. આવો બીજો રાજાશાહી વખતનો રાજવીએ બંધાવી આપેલ બોખલા દરવાજા પાસેનો કૂવો જે “બોખલાકુવા”તરીકે ઓળખાય છે.
રમાવાડી અને બોખલાનો કૂવો વસ્તી વચ્ચે આવી જતા બન્ને નિર્જીવ કુવા નગરપાલિકાએ કોઈ અઘટિત ઘટનાના ઘટે તે માટે પુરી દેવામાં આવ્યા છે. જ્યારે જીવિત બે કુવા ગોપાવાડી અને ઝીણાબોખાના કુવા આર,સી.સી.ના પાકા સ્લેબ ભરી પેક કરી દેવામાં આવ્યા છે. આ બનાવ બાદ સ્થાનિક લોકોમાં પણ માંગ ઉઠી છે કે ભવિષ્યમાં કોઈ આવો અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભાડિયા કૂવાને ઢાંકવામાં આવે અને અન્ય સલામતીના પગલાં ભરવામાં આવે.