આપણું ગુજરાત

જેતપુરમાં જેટકો કંપનીની દાદાગીરીએ લીધો ખેડૂતનો ભોગ? ગોપાલ ઇટાલિયાના સરકાર પર આકરા પ્રહારો

જેતપુર: રાજકોટ જિલ્લાના જેપુર ગામમાં રહેતા ખેડૂતનું જેટકો કંપનીની દાદાગીરીને કારણે મૃત્યુ થયું હોવાનું આમ આદમી પાર્ટી (આપ)ના નેતા ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે. આજે તેમણે જેપુર ગામની મુલાકાત લીધી હતી અને મૃતક ખેડૂતના પરિવારને મળીને શ્રદ્ધાંજલિ તેમ જ સંવેદનાઓ પાઠવી હતી. આ દરમિયાન તેમણે જેટકો કંપની, વહીવટી તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ વાત કરતાં કહ્યું હતું કે, “જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ જબરદસ્તીથી, દાદાગીરીથી વીજળીના તાર નાખવાનું કામ શરૂ કર્યું અને આ દરમિયાન જેપુર ગામના રહેવાસી ભગવાનભાઈ રૂપાપરાના ખેતરમાંથી તેમની મંજૂરી વિના જ તાર કાઢવાનું શરૂ કર્યું. તેમને ન તો કોઈ સહાય ચૂકવાવમાં આવી, નથી કોઈ સર્વે કરવામાં આવ્યો કે નથી તો તેમની મંજૂરી લેવામાં આવી. સીધી જ પોલીસ આવી દાદાગીરી અને ગુંડાગર્દીથી લાઇન નાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.”

આ પણ વાંચો: સુરતને ભાજપની નજર લાગી ગઈ: ગોપાલ ઇટાલિયાએ શહેરમાં વધતી ગુનાખોરી મુદ્દે સત્તાધારી પક્ષ પર કર્યા પ્રહાર

આગળ તેમણે કહ્યું હતું કે ભગવાનજીભાઈએ ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને આ કામગીરીને કારણે ખૂબ મોટાપાયે નુકસાન થયું. તેના કારણે ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો અને ચિંતાને કારણે એકદમ તંદુરસ્ત વ્યક્તિને હાર્ટ અટેક આવી ગયો. તેમણે આરોપ મૂક્યો હતો કે જેટકો કંપનીની દાદાગીરીને કારણે ચિંતામાં આવીને ખેડૂતને હાર્ટ અટેક આવી ગયો, પરિવારને પડેલી આ ખોટ કોણ સરકાર ભરશે કે તાર નાખવાવાળી કંપની ભરશે?

https://twitter.com/AAPGujarat/status/2010986589959406023?s=20

તેમણે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભાજપ સરકારે ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીર્દી શરૂ કરી છે. ગમે ત્યાંથી, ગમે ત્યારે અને ગમે તેમ લાઈનો નીકળે છે, કોઈ પૂછવાવાળું નથી કે કાયદો નિયમ કશું જ નથી. ભાજપની સરકાર, સરકારી માણસો અને કંપનીના માણસોએ મળીને એક ગેંગ બનાવીને ગુજરાતના 800 જેટલા ગામડાઓના ખેતરને ચૂંથી નાખવાનું કાર્યું કર્યું છે. તેમણે આક્ષેપ કરીને ખેતરના શેઢે નાખવાને બદલે ખેતરમાં વચ્ચોવચ્ચ જ દાદાગીરીથી થાંભલા નાખવામાં આવે છે.

આ પણ વાંચો: ગોપાલ ઇટાલિયાનો ‘પુરાવા’ સાથે પ્રહાર, મગફળી કૌભાંડ મુદ્દે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત

આ થાંભલા નાખવાથી ખેડૂતને આજીવન સમસ્યા પેદા થાય છે. ખેતરમાં સરકારી થાંભલો આવે કે ખાનગી કંપનીનો થાંભલો આવે છે તો જમીનની કિંમત ઘટી જાય છે, તે જમીનને બિનખેતી કરાવી શકાતી નથી. જમીનના ભાગ પાડવાના સમયે પણ પારિવારિક વિવાદ ઊભા થાય છે. તેમણે માંગ કરી હતી કે આવી દાદાગીરી બંધ ઠવાઈ જોઈએ અને તેને બદલે સરકારે કે કંપનીએ થાંભલા નાખવા જેટલી જમીન વેચાતી લઈ લેવી જોઈએ અને ત્યાં દીવાલ ઊભી કરી દેવી જોઈએ. ખેડૂતને પોસાય તે ભાવે તે જમીન વેચશે અને સરકાર અને કંપની ખરીદશે.

આ બાબતે તેમણે વહીવટીતંત્ર પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે કોઈ ખેડૂત થાંભલા નાખવાનો વિરોધ કરે છે ત્યારે કલેકટર તેમજ એડિશનલ કલેકટર દ્વારા એવી વાત કહેવામાં આવે છે કે તમારા ઘરે ક્યાંથી વીજળી આવે છે, એ પણ કોઈના ખેતરમાંથી આવે છે. તેમણે કહ્યું હતું કે કલેક્ટરોને તેના ઘર પર થાંભલા નખાવી દો. સરકારી જમીન પર થાંભલા નાખો, તેમણે કહ્યું હતું કે ગામ લોકોએ સાથે મળીને કંપનીની દાદાગીરીનો વિરોધ કરવો જોઈએ.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button