આપણું ગુજરાત

‘જેતલસર જંકશન બચાવો’: ઐતિહાસિક રેલ વારસાને જાળવવા ગ્રામજનોના પ્રતીક ઉપવાસ…

જેતપુર: સામાન્ય રીતે ગામડાઓમાં વિકાસકાર્યો જેવા કે પાણી, શાળા, રસ્તા જેવી સુવિધાઓના મુદ્દે આંદોલન, વિરોધ પ્રદર્શન કે ઉપવાસ થતાં હોય છે, પરંતુ રાજકોટ જિલ્લાનું જેતલસર ગામ તેના ઐતિહાસિક રેલ વારસાને જાળવવા માટે સરકારની સામે પડ્યું છે. સૌરાષ્ટ્રમાં રેલવેના પગરવ થયા તે સમયથી એક મહત્વના રેલવે જંકશનની ઘોર ઉપેક્ષાના કારણે આજે તેની હાલત બદતર થઈ જવા પામી હોય તેના વિરોધમાં ગામલોકો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે.

મળતી વિગતો અનુસાર, આઠ ફોર-વે રેલવે જંકશનમાં સ્થાન ધરાવતા ઐતિહાસિક જેતલસર જંકશનના અસ્તિત્વ પર સંકટ ખડું થયુ છે. ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાતોરાત જેતલસરથી લોકો પાઇલટ અને ગાર્ડ સહિતના 70 જેટલા કર્મચારીની રાજકોટ ખાતે બદલી કરી દેવાના રેલવેના નિર્ણયના વિરોધમાં જેતલસરમાં રોષ વ્યાપ્યો છે. આ મનસ્વી નિર્ણયના વિરોધમાં ‘જેતલસર જંકશન બચાવો સમિતિ’ના નેજા હેઠળ સરપંચ, વેપારીઓ અને ગ્રામજનોએ રેલવે સ્ટેશન પર ધરણા દ્વારા રેલવે તંત્ર સામે વિરોધના સૂર રેલાવ્યા છે.

ગામલોકોએ આરોપ કર્યો હતો કે આઝાદી પહેલા સ્થપાયેલ જેતલસર જંકશન પર એકસમયે અનેક ટ્રેનો અને હજારોનો સ્ટાફ ફરજ બજાવતો હતો. પરંતુ ધીમે ધીમે વિકાસના નામે અહીં એક પછી એક વિભાગો બંધ કરવામાં આવ્યા છે અને તાજેતરમાં એકસાથે 70 જેટલા કર્મચારીની રાજકોટ ખાતે બદલી કરી દેવામાં આવી હતી. તે ઉપરાંત રેલવે તંત્રએ અહીંથી લોકો લોબી હટાવી લીધા છે અને 70 કર્મચારીઓને રાજકોટ ભેગા કરી દીધા છે.

રેલવેના આ નિર્ણયને લીધે લગભગ 70 પરિવાર એટલે કે 800થી 900 લોકોને હિજરત કરવાની ફરજ પડશે અને તેના કારણે ગામના વેપાર-ધંધા ભાંગી પડવાની અને ગામ ઉજ્જડ બની જવાની ભીતિ સેવાઈ રહી છે. ગામજનોએ આંકડા પણ રજૂ કર્યા હતા અને કહ્યું હતું કે જો રેલવેકર્મી જેતલસરમાં રહે તો રેલવેએ તેમને 9 ટકા HRA ચૂકવવું પડે છે, જ્યારે રાજકોટમાં આ દર 16 ટકા છે. જેનાથી રેલવેને વધારાનું આર્થિક ભારણ પણ આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં રેલવેના આગમન બાદ જ્યારે સૌરાષ્ટ્રમાં પણ રેલવેના પગરણ થયા ત્યારે ગોંડલના મહારાજ ભગવતસિંહજી દ્વારા આ સ્ટેશનની સ્થાપના કરવામાં આવી હતી. જેતલસર રેલવે જંકશન પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન હેઠળનું એક ઐતિહાસિક જંકશન છે.

જેતલસરથી રાજકોટ સુધીની તેની પાયાની ૪૬ માઈલ લાંબી મીટર-ગેજ લાઇન એપ્રિલ ૧૮૯૬માં લોર્ડ હેરિસ દ્વારા ખુલ્લી મૂકવામાં આવી હતી. ગોંડલ, જૂનાગઢ, જેતલસર અને રાજકોટ રાજ્યો વચ્ચે ૧૮૯૧માં થયેલા સંઘીય કરાર દ્વારા નિર્મિત આ જંકશન એક નિર્ણાયક અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ પરિવહન કેન્દ્ર તરીકે સેવા આપે છે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button