Gujarat: છોટા ઉદેપુરમાં છેડતી થતા ચાલુ જીપમાંથી કૂદી પડી સાત વિદ્યાર્થીની તમામ સારવાર હેઠળ
અમદાવાદઃ વડોદરા નજીક આવેલા છોટાઉદેપુરમાં હૃદય ધ્રુજી ઉઠે તેવી ઘટના ઘટી છે. અહીના બોડેલી તાલુકાના ગામડાની સાત વિદ્યાર્થિનીઓ ચાલુ એમયુવી જીપમાંથી કૂદી પડી હતી. તમામને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામા આવી હતી, જેમાંથી ત્રણને રજા આપવામાં આવી છે, અને ચાર હજુ સારવાર લઈ રહી છે. આ ઘટના બોડેલી તાલુકામાં બની હતી જ્યાં 16-18 વર્ષીય વિદ્યાર્થિનીઓ ગામથી પાંચેક કિલોમીટર દૂર આવેલી શાળાએથી પાંચેક વાગ્યે ઘરે પરત જતી હતી. આ છોકરીઓ જીપમાં બેઠી હતી, પરંતુ અન્ય મુસાફરો દ્વારા છેડતી કરવામાં આવતા ડરી ગયેલી તમામ એક પછી એક ચાલુ જીપમાંથી કૂદી પડી હતી અને ઈજાગ્રસ્ત થઈ હતી.
જીપમાં બેસ્યા બાદ એક-બે છોકરીઓને થયું કે અન્ય પ્રવાસીઓ તેમને ખોટી રીતે અડકી રહ્યા છે, આથી તેઓ ગભરાઈને બહાર કૂદી પડી હતી જ્યારે ડ્રાયવર પણ ગભરાઈ ગયો હોવાથી જીપ પણ થોડે દૂર જઈ ઊંધી પડી ગઈ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તે બાદ ડ્રાયવર ને પ્રવાસીઓ ત્યાંથી બાગી નીકળ્યા હતા. જોકે તે બાદ એક પ્રવાસીને ઝડપી લેવાયો હતો.
સ્થાનિકોએ છોકરીઓને હૉસ્પિટલમાં દાખલ કરાવી હતી અને પોલીસને જાણ કરી હતી. છોકરીઓએ તેમના માતા-પિતાને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે પોલીસે તેમના સત્તાવાર નિવેદન લીધા બાદ ફરિયાદ નોંધવાનું જણાવ્યું હતું.
ગામના અગ્રણીઓના જણાવ્યા અનુસાર આસપાસના ગામડામાંથી સેંકડો છોકરા-છોકરીઓ રોજ અભ્યાસ માટે અપડાઉન કરે છે. તેમ છતાં એસટી બસની સુવિધા આપવામાં આવતી નથી. આ માટે વારંવાર સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે. જોકે આવા એક નહીં અનેક ગામો છે જ્યાં રોજબરોજની અવરજવર માટે જાહેર પરિવહનની સુવિધા નથી. આવા સમયે માતા-પિતા માટે સંતાનોની અને ખાસ કરીને દીકરીની સુરક્ષા ચિંતાનો વિષય બની જાય છે.