જયેશ રાદડિયાનું નામ લીધા વિના સી.આર. પાટીલની ટકોર, ચૂંટણી રાજકીય હોય કે સહકારી ક્ષેત્રની પાર્ટીનું મેન્ડેટ જ અંતિમ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

જયેશ રાદડિયાનું નામ લીધા વિના સી.આર. પાટીલની ટકોર, ચૂંટણી રાજકીય હોય કે સહકારી ક્ષેત્રની પાર્ટીનું મેન્ડેટ જ અંતિમ

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલનો આક્રમક અંદાજ જોવા મળ્યો હતો. કમલમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પાટીલે સૌરાષ્ટ્રના પ્રભાવશાળી સહકારી ચહેરા જયેશ રાદડિયાને નિશાન બનાવી ટકોર કરી હતી. પાટીલે જાહેર મંચ પરથી સહકારી ક્ષેત્રની ચૂંટણીને અંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ચૂંટણી રાજકીય હોય કે સહકારી ક્ષેત્રની – ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ જ અંતિમ રહેશે. પાર્ટીના નિયમોનો ભંગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે, સહકારી ક્ષેત્રમાં નેતાઓ મનમાની નહીં કરે અને પાર્ટીની શિસ્તનું પાલન અવશ્ય કરવું પડશે.

સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપે ફક્ત રાજકીય ક્ષેત્રમાં જ નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં પણ પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. તેમણે જણાવ્યું વધુમાં કહ્યું હતું કે, અમે સહકારી ક્ષેત્રની અંદર 350 જેટલી ચૂંટણી લડી હતી, જેમાંથી 349 જીત મેળવી હતી. ત્યાર બાદ મેન્ડેટ પ્રથા લાગુ પડી અને કેટલાકને એ ન ગમી. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધી પક્ષો તથા સહકારી ક્ષેત્રમાં ગોઠવાઈ ગયેલા કેટલાક લોકોએ એ પ્રથા સામે અપપ્રચાર કર્યો છે. પરંતુ ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે, અને શિસ્તમાં કોઈ સમાધાન શક્ય નથી.

આ પણ વાંચો : બિલાવલ ભુટ્ટોની ધમકીનો સી.આર. પાટીલે આપ્યો જવાબ, સિંધુ જળ સંધિને લઈને કરી મોટી વાત

જાહેર મંચ પરથી સી.આર. પાટીલે કોઈનું નામ લીધા વિના જ તીખી ટિપ્પણી કરી હતી, પરંતુ રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આ નિવેદન સૌરાષ્ટ્રના પ્રભાવશાળી સહકારી નેતા જયેશ રાદડિયાને નિશાન બનાવીને કરવામાં આવ્યું હતું. કારણ કે રાદડિયા સહકારી ક્ષેત્રના મોટા નેતા તરીકે ઓળખાય છે અને ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈને તેઓ ચૂંટણી લડ્યા હતા.

આ પણ વાંચો : વડા પ્રધાનના જન્મ દિવસની ગુજરાતમાં ખાસ તૈયારીઓ થઈ રહી છે, સી.આર.પાટીલે આપી જાણકારી

પાટીલના આ નિવેદનને ભાજપની અંદર એક મજબૂત સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે કે સહકારી ક્ષેત્રની અંદરની કોઈ પણ જાતની મનમાની હવે સહન કરવામાં આવશે નહીં.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button