ક્ષત્રિય સંમેલનથી શંકરસિંહ કોઇ રાજકીય દાવ ખેલે તે પહેલા જ ભાવનગર યુવરાજે કહી દીધું ‘ખબરદાર’…

અમદાવાદ: બે દિવસ પહેલા જ અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજાયું હતું. જેમાં 18 દેશી રજવાડાઓના વંશજો અને સમસ્ત ક્ષત્રિય સમાજ એક છત્રછાયા નીચે મળ્યો હતો. જેમાં ભાવનગરના વિજયરાજસિંહ ગોહિલને પ્રમુખ પદ સોંપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. આખા સંમેલનને લઈને ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજીએ શંકરસિંહ વાઘેલા પર પ્રહારો કર્યા છે અને તેમણે બાપુ ભાવનગર સ્ટેટના નામનો ઉપયોગ કરીને કોઇ રાજકીય દાવને ખેલે તે પહેલા જ ભાવનગર યુવરાજે સ્પષ્ટતા કરી દીધી છે.
આ પણ વાંચો : પદ્મિનીબા વાળાના હોબાળા સાથે ક્ષત્રિય સંમેલનની પૂર્ણાહુતિ: કહ્યું તે મને આંદોલનમાં ખૂબ નડ્યા…
બાપુએ મોતનો મલાજો’ય ન જાળવ્યો:
ભાવનગર યુવરાજ જયવિરરાજસિંહજીએ કહ્યું છે કે, ‘બાપુ આ સંમેલનને લઈને જ્યારે ભાવનગર આવ્યા ત્યારે તેઓ અને સમાજના અન્ય આગેવાનો પણ આવ્યા હતા. પરંતુ આ સમયે અમારા દાદાનું અવસાન થયું હતું અને તેનું બારમું પણ હજુ ગયું નહોતું. અમે શોકમાં હતા તેવા સમયે સાંત્વના આપવા સિવાય કોઇ બીજી વાતો સામાન્ય રીતે નથી કરવામાં આવતી પરંતુ બાપુએ આવા સમયે પણ સમિતિ અને તેના પ્રમુખ પદની વાત કરી હતી. જેથી મને પણ આશ્ચર્ય થયું હતું અને મે બાપુને આ સમિતિના ઉદ્દેશ વિશે પૂછ્યું હતું.
એકતા કાયમ રાખવા દર અઠવાડિયે આંદોલનની જરૂર?
ભાવનગર યુવરાજે વાત કરતાં કહ્યું હતું કે, ‘જ્યારે મે બાપુને સમિતિના ઉદ્દેશ વિશે પૂછ્યું ત્યારે તેમને જણાવેલું કે ક્ષત્રિય આંદોલન સમયે ઉભી થયેલી સમાજની એકતાને કન્ટીન્યુ રાખવા માટે આ સમિતિની જરૂર છે. બાપુના જવાબ પર યુવરાજે પ્રશ્ન કરતાં કહ્યું હતું કે એકતા કાયમ રાખવા દર અઠવાડિયે આંદોલન કરવાની જરૂર નથી ને? જો કે બાપુએ જણાવેલું કે આ મંચ નોન પોલિટિકલ રહેશે. પણ યુવરાજે કહ્યું હતું કે બાપુ જેમ ભાજપ માટે સંઘ છે તેવી એક સંસ્થા બનાવવા માંગે છે અને તેમ મને સાંકળી યુવાનોને જોડવા માંગે છે.
ભાવનગર રાજ્ય વિના સમિતિનું અસ્તિત્વ શું?
આ સાથે જ યુવરાજે સમિતિની સફળતામાં ભાવનગર રાજ્યના મહત્વને લેખાવતા કહ્યું હતું કે જો આ સમિતિમાં ભાવનગર રાજ્યના કોઇ વંશજ ન હોત કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની વાત ન કરવામાં આવી હોત તો આ સમિતિની સ્થિતિ શું હોત. આથી હું સમાજના યુવાનોને જાગ્રત રહેવા સલાહ આપું છું કે બાપુ વડીલ છે માટે માન સન્માન જરૂર આપીએ પણ જ્યારે વડીલો ખોટું કરે તો યુવાનોની ફરજ છે કે તે વડીલને પણ કહી શકવો જોઈએ કે આ ખોટું છે.
મારા પૂર્વજોનો રાજકારણ માટે ઉપયોગ નહિ:
વળી બાપુના આ રાજકીય દાવના મંડાણ થાય તેની પહેલા જ યુવરાજે સ્પષ્ટતા કરી દીધી કે “આપ મારા માતાપિતા, વડીલ કે પૂર્વજોનો કોઇ દિવસ રાજકારણ માટે ઉપયોગ નહિ જ કરી શકો. અને જો તેનો ઉપયોગ કરવાની કોશિસ કરશો તો હું એકલો જ લડીશ.