જયશ્રી રામ! અમદાવાદથી 500 કિલોનું નગારું અયોધ્યા પહોંચ્યું.. જુઓ તસવીરો
22 જાન્યુઆરીના રોજ અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. દરેક દેશવાસીને આ કાર્યક્રમમાં સહભાગી થવાની તથા રામમંદિરમાં કોઇને કોઇ પ્રકારે યોગદાન આપવાની અદમ્ય ઇચ્છા છે. ત્યારે અમદાવાદથી ખાસ પ્રકારના ધ્વજંદડ તથા 500 કિલો વજન ધરાવતું નગારું ડબગર સમાજ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ નગારાને ગત 5 જાન્યુઆરીએ અમદાવાદથી રવાના કરવામાં આવ્યું હતું જે આજે અયોધ્યા આવી પહોંચ્યું છે.
રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે વિશેષ રથમાં ગુજરાતથી અયોધ્યા પહોંચેલા નગારાનો સ્વીકાર કર્યો હતો, અને ખાતરી આપી હતી કે તેને યોગ્ય જગ્યાએ મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવશે.
નગારાની બનાવટમાં તાંબા અને લોખંડની પ્લેટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના પર સોના-ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. ડબગર સમાજના 20થી વધુ કારીગરોએ 3 મહિના સુધી મહેનત કરીને લાખો રૂપિયાના ખર્ચે તેને તૈયાર કર્યું છે. દરેક સમાજ કોઇને કોઇ ભેટ આપી રહ્યું છે ત્યારે ડબગર સમાજ દ્વારા પણ રામમંદિરમાં યોગદાન આપવામાં આવે તેવી સમાજના અગ્રણીઓની ઇચ્છા હતી, જે આજે સાકાર થઇ છે.
નગારાને રવાના કરતા પહેલા તેની રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. પૂજા અર્ચના બાદ જયશ્રીરામના નાદ સાથે તેની શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નગારા પર કલાત્મક ચિત્રકામ પણ કરવામાં આવ્યું છે. અમુક મીડિયા અહેવાલો મુજબ શૈલેષ શર્મા નામના વ્યક્તિએ આ કલાત્મક ચિત્રકામને પોતાને હાથે કંડાળ્યું છે. શૈલેષ શર્મા 22 વર્ષથી ગ્રેફિટી ડિઝાઈન વર્ક સાથે જોડાયેલા છે. તેઓ કેનવાસ પર કલાત્મક પોટ્રેટ, વોલ ડિઝાઇન અને મિરર ઇમેજ બનાવવાનું કામ કરે છે. આ કામની તક મળવા બદલ તેમણે ઇશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો.