એક તો વરસાદે મેળાની મજા મારી નાખી ને ઉપરથી ભુજ પાલિકાએ ફટકાર્યો દંડ…
ભુજઃ મધ્યપ્રદેશ થઈને કચ્છ-સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહેલા હવાના હળવાં દબાણના પગલે શીતળા સાતમની રાતથી કચ્છમાં અવિરતપણે વરસી રહેલા વરસાદના પગલે જન્માષ્ટમી પર્વ નિમિતે યોજાયેલા મેળા ધોવાઈ ગયા છે. ભુજમાં પણ હમીરસર તળાવના કાંઠે ભરાયેલા બે દિવસીય સાતમ-આઠમના મેળા પર વરસાદ રૂપી વિઘ્ન આવ્યું છે. એક દિવસ માટે લોકોની ચહેલપહેલ જોયા બાદ ગત રાત્રિથી ભુજ સહીત કચ્છભરમાં અવિરતપણે પડી રહેલા ગાજવીજ સાથેના ભારે વરસાદને લઈને લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું છે.
આ મેળાનો આઠ લાખમાં કોન્ટ્રાકટ લેનારા કોન્ટ્રાક્ટરને પડ્યા પર પાટુ જેવો તાલ સર્જાયો હોય તેમ નગરપાલિકાનાં વીજ જોડાણમાંથી સીધું જોડાણ લેવા બદલ એક લાખનો દંડ ફટકારી દેવામાં આવ્યો છે!
આ પણ વાંચો : કચ્છમાં સાતમ-આઠમના ભાતીગળ મેળામાં વરસાદ વિલન બનશે?
ભુજમાં હમીરસર કિનારે શરૂ થયેલા સાતમ-આઠમના મેળાનો કોન્ટ્રાક્ટ લેનારા કોન્ટ્રાક્ટરે નગરપાલિકાનાં વીજ જોડાણમાંથી કોઇ પણ જાતની પરવાનગી વિના સીધું જોડાણ લઇ લીધું હતું. આ બાબતની જાણ થતાં સુધરાઇના મુખ્ય અધિકારીનું તથા વીજ શાખાના ચેરમેન કશ્યપ ગોરનું ધ્યાન દોરાતાં કોન્ટ્રાક્ટરને નોટિસ આપવા સાથે એક લાખનો દંડ ફટકારવા નક્કી કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મેળાનો કોન્ટ્રાક્ટ આપવા સમયે શરતોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, વીજ જોડાણ કોન્ટ્રાક્ટરે લેવાનું રહેશે તેમ છતાં નગરપાલિકાનાં જોડાણમાં વીજ લાઇન જોડી વપરાશ કરાતાં હિતેન્દ્રસિંહ જાડેજા તથા લાઇટ શાખાના ઇન્જિનીયર વત્સલ ગુંસાઇ દ્વારા નોટિસ પાઠવવા તથા દંડ વસૂલવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.