આપણું ગુજરાતવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર બાદ ગુજરાત લોકસભાની સીટો માટે ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું છે. જો કે તેમાં પણ આંતરિક ખટરાગ સામે આવ્યો છે. બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારો જાહેર કરાયા બાદ પાર્ટીના સ્થાનિક નેતૃત્વ અને કાર્યકરોમાં આંતરિક વિરોધ જોવા મળતા હવે સાંબરકાંઠા, આણંદ, વડોદરા, વલસાડમાં ભાજપને ઉમેદવારો બદલવાની સ્થિતી સર્જાઈ છે. તે જ પ્રકારે કોંગ્રેસમાં અમદાવાદ પૂર્વની સીટ પર પણ કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભરપૂર રસાકસી જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આણંદ લોકસભા સીટ: પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને

ગુજરાતની જામનગર લોકસભા સીટ પર ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો છે. જામનગર સીટ પર કયા ઉમેદવાર બાજી મારી જશે તે તો 4 જૂને પરિણામ જાહેર થયા બાદ જ જાણવા મળશે, પણ આ બેઠક પર કોણ કેટલું મજબુત છે તે આજે તમને જણાવીશું.

લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપે જામનગર બેઠક માટે બે ટર્મથી સાંસદ તરીકે કાર્યરત પૂનમબેન માડમને સતત ત્રીજી વખત ઉમેદવાર તરીકે પસંદ કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2014ની ચૂંટણીમાં તેઓ કૌટુંબીક કાકા વિક્રમભાઇ માડમ સામે અને 2019ની ચૂંટણીમાં મુળુભાઇ કંડોરીયા સામે ભવ્ય રીતે ચૂંટણી જીત્યા હતા આથી ભાજપે તેમને હેટ્રીક નોંધાવવા તક આપી છે.

આ પણ વાંચો: વલસાડ લોકસભા સીટ: કોંગ્રેસના અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ

છેલ્લી બે ચૂંટણી હારનાર કોંગ્રેસ દ્વારા આ વખતે ઉમેદવારની પસંદગીની રણનીતિમાં મોટો ફેરફાર કરાયો હતો. જામનગર બેઠક માટે કોંગ્રેસે આખરે ગઇકાલે સાંજે વિધિવત રીતે જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત એડવોકેટ જયંતિભાઇ મારવીયાને ટિકીટ આપ્યાની જાહેરાત કરી હતી. કોંગ્રેસની આ જાહેરાતથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને સાંકળતી જામનગર લોકસભા બેઠક ઉપર બે મુખ્ય રાજકીય પક્ષ વચ્ચે નિર્ણાયક ચૂંટણી જંગ નિશ્ચિત બન્યો છે. 14 વર્ષ બાદ જામનગરની લોકસભા ચૂંટણીમાં આહિર સમાજના ઉમેદવાર સામે પાટીદાર સમાજના ઉમેદવારનો મુકાબલો થશે. ગત બન્ને ચૂંટણીમાં એટલે કે 2009 અને 2014માં ભાજપના આહિરની સામે કોંગ્રેસના આહિર ચૂંટણી લડ્યા હતાં.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જ્ઞાતિ સમીકરણ પર નજર કરવામાં આવે, તો પાટીદાર સમાજ તથા આહીર સમાજની બહુ મોટી વસ્તી છે. જ્ઞાતિ સમીકરણોના રાજકીય એન્કાઉન્ટરના ભાગરૂપે ભાજપના આહીર ઉમેદવારની સામે કોંગ્રેસે પાટીદાર ફેકટરની પસંદગી કરી છે. કોંગ્રેસે તાજેતરમાં જ ઉમેદવારોની પસંદગી કરી લીધી હતી પરંતુ વ્યુહરચનાના ભાગરૂપે ત્રણ તબક્કામાં ગુજરાતની બેઠકોની ઉમેદવારોની યાદી જાહેર કરવાનો નિર્ણય લેવાયો હતો. બીજી યાદી આમ તો દસેક દિવસ પહેલા નક્કી થઇ ગઇ હતી. જેમના નામ નક્કી થયા હતા તેઓને વ્યકિતગત રીતે ખાનગીમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવા સૂચના પણ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?

કોંગ્રેસે જામનગર લોકસભા બેઠક માટે જે.પી.મારવીયાની પસંદગી કરી છે તે પાછળ એવુ ગણિત હોવાનું મનાય છે કે, આહીર સમાજ પછી જામનગર બેઠક ઉપર મોટી જ્ઞાતિ (મુસ્લિમ અને દલિત સિવાય) પાટીદાર સમાજ છે. લેઉવા અને કડવા પાટીદારની ગણતરી કરે તો અને આ સમીકરણને વ્યહાત્મકરીતે તેમજ યોગ્ય રીતે પ્રચારનું માધ્યમ બનાવવામાં આવે તો ભાજપ સામે ફાઇટ થઇ શકે તેમ છે. ખાસ કરીને ભાજપ પાટીદાર સમાજને તેની વોટબેંક માને છે ત્યારે કોંગ્રેસે આ વોટબેંકમાં ગાબડું પાડવાના ઇરાદે પાટીદાર સમાજ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. કોંગ્રેસની આ ગણતરી કેટલી હદે સફળ રહે છે તે આવનારો સમય બતાવશે.

જામનગર લોકસભા વિસ્તારમાં કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, જામખંભાળિયા અને દ્વારકા વિધાનસભા ક્ષેત્રો આવે છે. હાલ જામજોધપુર વિધાનસભા બેઠક સિવાય તમામ બેઠકો ભાજપ પાસે છે. ગત વિધાનસભા ચૂંટણીમાં જામજોધપુર વિધાનસભા બેઠક પરથી હેમંત ખવા આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી અહીં જીત્યા હતા.

આ પણ વાંચો: બનાસકાંઠા સીટ પરથી ભાજપના રેખાબેન ચૌધરીને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આપશે ટક્કર

જામનગર લોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે. સ્વતંત્ર પાર્ટીએ અહીંથી એક વખત, જનતા પાર્ટીએ એક વખત જીત મેળવી છે. જ્યારે કે ભાજપે અહીંથી સાત વખત જીત મેળવી છે. 1998થી ભાજપના ચંદ્રેશ પટેલે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી. ત્યાર બાદ 1999 સુધી તે ભાજપનો ગઢ રહ્યો પણ 2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી. 2009માં પણ વિક્રમ માડમ જ જીત્યા જોકે 2014માં આ બેઠક પૂનમબહેન માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી. 2019માં પૂનમબહેનને ફરી ભાજપે ટિકિટ આપી અને તેઓ ફરી જીત્યાં.

જામનગરનાં સાંસદ પૂનમ માડમ અને જામનગર ઉત્તરનાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને જામનગરનાં મેયર બીનાબહેનનો એક કથિત બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો. જામનગર મહાનગરપાલિકાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં રીવાબાએ દાવો કર્યો કે તેમણે પગરખાં ઉતારીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેના પર સાંસદ પૂનમબહેને ટિપ્પણી કરી હતી એટલે મામલો બિચક્યો હતો. જોકે બાદમાં તેમના વચ્ચે સમાધાન થયું હતું. હાલ જ્યારે પૂનમબહેનને ત્રીજીવખત ટિકિટ મળી ત્યારે રીવાબાએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

કોણ છે પૂનમ માડમ?

પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતાં. પૂનમબહેનના પિતા સ્વ, હેમંતભાઈ માડમ પણ જામખંભાળીયા બેઠક ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાતાની સાથે જ પાર્ટીએ તેમને ધારાસભ્ય તરીકેની ટીકીટ આપી દીધી હતી. 2012માં જામ ખંભાળીયા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબહેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી.અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સીટીંગ MP વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં પૂનમબહેને પોણા બે લાખ કરતા વધુ મતની લીડથી જીત મેળવી હતી. 2019માં પણ પૂનમબહેનનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો હતો. લોકસભા ચૂંટણી 2019માં પૂનમ બહેને તેમના પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર મૂળુ કંડોરિયાને બે લાખ 36 હજાર મતોથી પરાજય આપ્યો હતો.

કોણ છે જે.પી.મારવીયા

કોંગ્રેસે જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયાને ઉમેદવાર બનાવ્યાં છે. કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો એવા જે.પી. મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે, 43 વર્ષની ઉંમરના પાટીદાર ચહેરાને ટિકિટ આપી કોંગ્રેસે આ વખતે મોટો દાવ રમ્યો છે. જે.પી.મારવીયા જામનગર જિલ્લા પંચાયતની નિકાવા બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય છે અને હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે કાર્યરત છે. તેઓ કારોબારી સમિતિના ચેરમેન રહી ચુકયા છે અને કાલાવડ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચુકયા છે. આશરે 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રીય છે. તેઓ કાલાવડ માર્કેટ યાર્ડના ડાયરેકટર, નિકાવા સેવા સહકારી મંડળીના સભ્ય, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button