Jamnagar: સગાઈ માટે જઈ રહેલા લોકોને ‘વિધ્ન’ નડયું, આઇસર પલટી મારી જતાં 15 થી વધુ લોકો ઘવાયા, ચાર ગંભીર
જામનગર: એક કહેવત છે કે પાંચમ માંડી હોય તો છઠ્ઠ થતી નથી, ગમે તેટલા શુભ મુહૂર્ત કાઢીને આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ પરંતુ જે થવાનું છે તે થઈને જ રહે છે! તેનું ઉદાહરણ આજે જામનગર પંથકમાં બનેલા એક અકસ્માતમાં જોવા મળ્યું છે. સગાઈ લઈને જઈ રહેલો એક પરિવાર તેના સગા વાહલા અને મહેમાનો સાથે આઇસર ગાડીમાં જઈ રહ્યા હતા.આ દરમ્યાન આ મીની ટ્રક (આઇસર) પલ્ટી ખાઇ જતા અંદર બેઠેલા 15ને નાની મોટી ઇજાઓ થઇ હતી જ્યારે 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહયું છે.
બનાવની વિગતવાર વાત કરીએ તો જામનગ જિલ્લાના લાલપુર તાલુકાના મેમાણા ગામના પરિવારના સભ્યો આજે સવારે સગાઇના પ્રસંગ નિમીતે આઇસર ગાડીમાં બેસીને જઇ રહયા હતા ત્યારે ધારાગઢ ફાટક પાસે પહોચતા આઇસર પલ્ટી મારી જતા અંદર બેઠેલા 12 થી 15 લોકોને ઇજાઓ પહોચી હતી, અકસ્માતના થતાંની સાથે ગાડીમાં સવાર થયેલા લોકો બૂમો પાડવા લાગ્યા હતા. અને અકસ્માતની જાણ થતાં જ આજુબાજુના લોકો પણ મદદ માટે દોડયા હતા.
અકસ્માત અંગે 108ને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફત લાલપુર CHC ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી, ઇજાગ્રસ્તોમાં 4 વ્યકિતને ગંભીર ઇજા થઇ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આ બંને ઇજાગ્રસ્તોને ભાણવડ હોસ્પીટલ ખાતે સારવારમાં લઇ જવામાં આવ્યા હતા, અકસ્માતના પગલે પોલીસની ટુકડી પણ દોડતી થઇ હતી અને વધુ વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરી છે.