જામનગર-દ્વારકામાં મેગા ડિમોલિશનઃ પાંચ દિવસમાં દરિયાઈ વિસ્તારમાં ધાર્મિક સ્થાન સહિત 285 દબાણો હટાવાયા
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે રીતે સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સતત પાંચ દિવસથી મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પાંચ દિવસ દરમિયાન સંવેદનશીલ ગણાતા બન્ને જિલ્લાના દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ ઉપર 271 રહેણાંક અને સાત કોમર્શિયલ તેમજ સાત અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેના કારણે રૂ. 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
રાજકોટ રેન્જ આઇજીએ શું કહ્યું?
આ અંગે રાજકોટ રેન્જ આઇજીએ જણાવ્યું હતું કે, રાજકોટ રેન્જ અંતર્ગત આવતા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વ ધરાવે છે. અહિયાંથી દરિયાઈ માર્ગે દુશમન દેશ નજીક હોવાથી સરકાર દ્વારા દેશવિરોધી પ્રવૃતિઓ અટકાવવા માટે ખાસ ડિમોલિશન ઝુંબેશ છેલ્લા બે વર્ષથી ચલાવવામાં આવી રહી છે અને ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. બીજા તબક્કામાં ગત 11મી જાન્યુઆરીથી રાજ્ય સરકારની સૂચના મુજબ વહીવટી તંત્રને સાથે રાખી પોલીસ દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી છે. રાજકોટ રેન્જમાં આવતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુખ્યત્વે દરિયાકાંઠા વિસ્તાર અને મધદરિયે આવેલા ટાપુઓ પર ધર્મસ્થાનો સહિતના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચ બંદરો, 55 લેન્ડીંગ પોઈન્ટ, 34 ટાપુઓ, 15 ફિશિંગ પોઈન્ટ અને 11 જેટી વિસ્તારમાં અગાઉથી સર્વે કરીને દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી અને તેઓ કોઈ આધાર-પુરાવા નહીં આપી શકતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લામાં ત્રણ બંદરો, 11 ટાપુઓ, 11 લેન્ડિંગ પોઇન્ટ, ત્રણ જેટી અને છ ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે.
એ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે પોર્ટ, 23 આઇલેન્ડ, 44 લેન્ડિંગ પોઇન્ટ, આઠ જેટી અને નવ ફિશિંગ પોઇન્ટનો સમાવેશ થાય છે. જ્યાં પોલીસે વહીવટી તંત્રને સાથે રાખીને 271 રહેણાંક અને સાત કોમર્શિયલ તેમજ સાત અન્ય મળી કુલ 285 દબાણો દૂર કરી રૂ. 47.35 કરોડ કિંમતની કુલ 86391 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. કોઈ જગ્યાએ દબાણ થતું હોય અથવા થયેલું હોય તો એ અંગે પોલીસને માહિતી આપવા પણ લોકોને રાજકોટ રેન્જ આઈજી દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે.
Also read :બેટ દ્વારકામાં ડિમોલિશન ડ્રાઈવ આજે પણ રહેશે ચાલુઃ આટલી જમીન ખુલ્લી કરાવાઈ…
તેમણે ઉમેર્યુ હતુ કે જામનગર જિલ્લાના તમામ ટાપુ પ્રથમવાર દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લામાં પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદે દબાણોના અતિક્રમણ સામે નક્કર કાર્યવાહી કરીને અંદાજે 4000 ચોરસ ફૂટમાં નવ જેટલા મજારો સહિતના ધાર્મિક દબાણો પર તંત્રનું બુલ્ડોઝર ફરી વળ્યું છે. ખાસ પીરોટન ટાપુને મૂળ સ્થિતિમાં લાવવા માટે કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓખામાં મંગળવારે ચોથા દિવસે ઉત્તરાયણ પર્વ હોવા છતાં ડિમોલિશન ચાલુ રહ્યું હતું. દામજી જેટી વિસ્તારમાં સરકારી જમીન પર આશરે 40 વર્ષથી રહેલા અનધિકૃત દબાણને હટાવીને 5650 સ્ક્વેર મીટર આશરે રૂ. 6.50 કરોડની જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. જેમાં દામજી જેટી પર આશરે છ કરોડની કિંમતની 8000 ચોરસ મીટર જમીન પરના સાત દબાણો તેમજ પંચવટી વિસ્તારમાં ત્રણ, બાલાપર ગામમાં 20 મકાન તેમજ હનુમાન દાંડી રોડ પર પણ બુલ્ડોઝર ફેરવીને એક દિવસમાં 39 રહેણાંક, 7 કોમર્શિયલ અને 3 અન્ય મળી કુલ 49 બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.