જામનગર એરપોર્ટ પર પ્લેનમાં આગ: સફળ મોકડ્રીલ દ્વારા ઇમરજન્સીનો કર્યો સામનો

જામનગરઃ જામનગર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટ ખાતે ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રીલનો મુખ્ય હેતુ રેસ્ક્યુ કામગીરી સંબંધિત પડકારો અને ઈમરજન્સીનો સામનો કરવા માટે તથા ઓછામાં ઓછા સમયમાં દરેક વિભાગો દ્વારા પરસ્પર સંકલન કરી પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવાનો હતો.
જામનગર એરપોર્ટ પર ૩૦ પેસેન્જરો ભરેલા એરક્રાફ્ટના ડાબી બાજુના એન્જીનમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાની જાણ જીલ્લા કંટ્રોલરૂમ ખાતે તથા એરફોર્સ સ્ટેશન પર બપોરે ૩:૫૫ કલાકે કરવામાં આવતાની સાથે જ માત્ર ૧૦ મિનિટના સમયમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

૩૦ પેસેન્જર પૈકી તાત્કાલિક સારવારની જરૂર હતી તેવા ૫ પેસેન્જર અને ઈજાગ્રસ્ત ૧૦ સહિત ૧૫ લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સે ઘટના સ્થળ પર પહોચી ત્વરિત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.
સામાન્ય ઈજાગ્રસ્તોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. અને પોલીસ વિભાગ દ્વારા સમગ્ર એરિયા કોર્ડન કરાયો હતો.
ગણતરીની મિનિટોમાં જ એરફોર્સ, ફાયર, સિવિલ ડિફેન્સ, આરોગ્ય વિભાગ, એમ્બ્યુલન્સ, એરપોર્ટ સ્ટાફ, પોલીસની ટીમો, આધુનિક સંસાધનો સાથે ઘટના સ્થળે આવી પહોચી હતી. વિવિધ ટીમોએ આપદામિત્રોની મદદથી ઘટના સ્થળે લોકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ નજીક તાજેતરમાં જ પ્લેન ક્રેશ અંગેની દુખદ ઘટના સર્જાઈ હતી, જે અંતર્ગત જામનગર એરપોર્ટ ખાતે મોકડ્રીલ યોજવામાં આવી હતી.