જય જલારામઃ વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં નથી લેવાતું દાન, આજે જયંતીની થશે ભાવભેર ઉજવણી…

અમદાવાદઃ સંત અને સેવાભાવી એવા જલારામ બાપાની આજે 226મી જન્મજયંતી છે. તેમના જન્મસ્થળ સૌરાષ્ટ્રના વીરપુર સહિત સમગ્ર ગુજરાતમાં આ દિવસ ખૂબ જ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે પણ ઠેરઠેર વિશેષ કાર્યક્રમોનું આયોજન થયું છે.
સંત જલારામ બાપાનો જન્મ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. માતા-પિતાના સેવાભાવની ઊંડી છાપ જલારામ બાપા પર પડી. માત્ર 16 વર્ષની ઉંમરે તેમણે વૈવાહિક જીવન શરૂ કર્યું. તેમનું એક જ સંતાન જમનાબાઈ હતા. જોકે જલારામ બાપાએ સેવાભાવના છોડી નહીં અને આજીવન તેમાં જ કાર્યરત રહ્યા. તેમણે સદાવ્રતની પરંપરા શરૂ કરી હતી.

મંદિરોમાં વિશેષ આયોજન
સુરતના બાલાજી રોડ, અડાજણ અને મીની બજારમાં આવેલા મંદીરોમાં ખાસ શણગાર કરવામાં આવ્યો છે. અની અન્નકૂટ, આરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. જલારામ જંયતી નિમિતે અહીં મોટી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઘણીજગ્યાએ રાસગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં આજે ભક્તોની ભીડ જામશે.
તો ખેડબ્રહ્માના હરણી નદી કિનારે આવેલા મંદીરને સુંદર તોરણોથી સજાવવામાં આવ્યું છે. મંદિરોમાં શમિયાણા બાંધવામાં આવ્યા છે અને અહીં મહાપ્રસાદની તૈયારીમાં સ્વયંસેવકો લાગ્યા છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર, સહિતના સૌરાષ્ટ્રના વિવિધ મંદિરોમાં સંત શિરોમણી જલારામ બાપાની જયંતીનો અનેરો માહોલ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ છે, પરંતુ ભક્તોના ઉત્સાહમાં ફરક દેખાતો નથી.
વીરપુરના મંદિરમાં નથી લેવાતું દાન
રોજબરોજ દેશના વિવિધ મંદિરોમાં ભક્તો દ્વારા આપાવમાં આવતા દાનના આંકડા આપણને ચોંકાવી દે છે. રોકડ સાથે સોના ચાંદીના દાગીના, હીરાજડિત આભુષણો વગેરે દેશના મોટા-મોટા મંદિરોમાં દાન કરવામાં આવે છે. ઘણા મંદિરોના ગેરવ્યવહારો પણ બહાર આવે છે. આવા સમયે શ્રદ્ધાળુઓનું દિલ દુઃખાય છે.
જ્યારે સૌરાષ્ટ્રના જેતપુર પાસે વીરપુરમાં આવેલું જલારામ બાપાનું મંદિર આ બધાથી અલગ છે. અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓને બે ટાઈમ પ્રસાદ આપવામાં આવે છે. અહીં પ્રસાદ લેવા માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ખૂબ જ સ્વચ્છ વાતાવરણમાં શુદ્ધ પ્રસાદ ભક્તો આરોગે છે, પરંતુ મંદિરે લગભગ વર્ષ 2000ની સાલથી દાન લેવાનું બંધ કરી દીધું છે.
મંદિરના કર્તાહર્તાના કહેવા અનુસાર તેમની પાસે સત્કાર્યો કરવા માટે જે ફંડ જોઈએ તે છે, આથી તેમણે ભક્તોને ફંડ ન આપવા જણાવ્યું હતું. ફંડ ન લેતું હોવા આ મંદિર 25 વર્ષથી સદાવ્રત ચલાવે છે. મંદિર એક જ મંત્ર પર ચાલે છે. દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ.



