આપણું ગુજરાતઆમચી મુંબઈ

જૈન સાધુ સાગરચન્દ્રસાગરનો મામલો પહોંચ્યો અદાલતમાં

પોલીસને પાંચમી જૂન સુધીમાં તપાસ અહેવાલ રજૂ કરવાનો અમદાવાદ કૉર્ટનો આદેશ

બિમલ મહેશ્વરી

મુંબઈ: દુરાચારના ગંભીર આક્ષેપોથી ઘેરાયેલા જૈન સાધુ સાગરચન્દ્રસાગરનું પ્રકરણ હવે કોર્ટમાં જતાં તેમની તકલીફોમાં ઓર વધારો થવાની શક્યતા છે. અમદાવાદની એક મેજિસ્ટ્રેટ કોર્ટે સાગરચન્દ્રસાગર સામે કરવામાં આવેલી પોલીસ ફરિયાદ વિશેની તપાસનો અહેવાલ પાંચમી જૂન સુધીમાં ૨જૂ ક૨વાનો અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનને આદેશ આપ્યો છે.

જૈનાચાર્ય સાગરચન્દ્રસાગર અને બે જૈન સાધ્વીઓની અમુક અશ્લિલ તસવીરો છેલ્લાં થોડા સમયથી વાયરલ થઈ છે. આ તસવીરો અલગ અલગ વીડિયો કોલના સ્ક્રિન શોટ્સની છે જેમાં આ જૈન સાધુ અને બે જૈન સાધ્વીઓ અશ્લિલ ચેનચાળા કરતાં દેખાય છે.

આ તસવીરોને કારણે જૈન સમાજમાં સોપો પડી ગયો હતો અને આ સાધુ તથા બન્ને સાધ્વીને સંસારમાં પાછા ધકેલી દેવાની માગણી ઊઠી છે. સાગરચન્દ્રસાગરના ગુરુ અચાર્ય અશોકસાગર આ અશ્લિલ તસવીરો બોગસ હોવાનો નિર્ણય જાહેર કરતા જૈન અગ્રણીઓ વીફર્યા હતા અને એમાના એક અમુક અમદાવાદના જગતભાઈ હસમુખલાલ પરિખે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

આ પણ વાંચો: ભૂલ થઈ ગઈ હોવાનું ખુદ જૈનાચાર્યે જ કબૂલેલું

જગતભાઈ અમદાવાદના જૈન સંઘોના ઉપ-પ્રમુખ પણ છે. તેમણે કહ્યું હતું કે મેં પાલડી પોલીસ સ્ટેશનમાં મારી ધાર્મિક લાગણી દુભાઈ હોવાની સાગરચન્દ્રસાગર સામે માર્ચમાં લેખિત અરજી કરી હતી, પણ પોલીસે મારું નિવેદન તો લીધું હતું, પણ એફઆઈઆર દાખલ કરવાની ના પાડી હતી. આને પગલે પોલીસને ફરિયાદ દાખલ કરવાની ફરજ પડે એ માટે મેં મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

કોર્ટમાં સાગરચન્દ્રસાગર ઉપરાંત આ અશ્લિલ તસવીરોમાં દેખાતી બે સાધ્વી દેવાંશીતા અને દેવર્શિતાને પણ આરોપી બનાવવામાં આવી છે. આ અશ્લિલ તસવીરોમાં અજ્ઞાત મહિલા પણ દેખાય છે અને એને પણ આરોપી બનાવવામાં આવી છે.

તમામ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૫૪ (ગુનામા મદદગારોને સજા કરવાની), કલમ ૬૧-૨ (ફોજદારી કાવતરુ રચવાની) અને કલમ ૨૯૬ (અશ્લિલ હરકતો) હેઠળ સજા ફટકારવાની માગણી કરાઈ છે. આ ઉપરાંત આરોપીઓ સામે ઈન્ફર્મેશન ટેકનોલોજી પણ કલમો લગાડવાની પણ કોર્ટને અરજ કરાઈ છે.

આ અરજીની સુનાવણી ગયા અઠવાડિયે થઈ હતી અને એડિશલન ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પાલડી પોલીસ સ્ટેશનને સાગરચન્દ્રસાગર વિશેની ફરિયાદની તપાસ પેન્ડિંગ છે કે કેમ એનો રિપોર્ટ પાંચમી જૂન સુધીમા મોકલી આપવાનો આદેશ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button