ચોવીસ કલાકથી દરિયામાં ફસાયેલા બાળકને બાપ્પાએ આ રીતે બચાવ્યો

કહેવત તો એવી છે કે રામ રાખે તેને કોણ ચાખે, પણ અહીં એક બાળકને ગણપતિ બાપ્પાએ બચાવ્યો છે. જોકે તેમની સાથે જે પણ કોઈ આ બાળકને બચાવવામાં સહભાગી થયા છે તે સૌ કોઈ અભિનંદનને પાત્ર છે.
આ ઘટનાને ચમત્કાર કહેશો તો પણ ખોટું નહીં કહેવાય. ઘટના સુરતની છે. અહીં રહેતા એક પરિવારના દાદી પોતાના બે પૌત્ર અને એક પૌત્રીને લઈ ડુમસના દરિયાકિનારે ફરવા ગયા હતા. દાદીની વાતને નકારી બે પૌત્ર કરણ અને લખન બપોરે બારેક વાગ્યે દરિયામાં નહાવા પડ્યા. થોડી વારમાં બન્ને તણાવા લાગ્યા. દાદીએ ચીસો પાડતા આસપાસના લોકોએ કરણને તો બહાર ખેંચી લીધો પણ 14 વર્ષીય લખન પાણીમાં તણાઈ ગયો. આખો પરિવાર શોકમાં ડૂબ્યો ને સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડે ભારે મહેનત કરી પણ લખન મળ્યો નહીં. પરિવારે તો લગભગ આશા છોડી દીધી ને દુખમાં ડૂબી ગયો હવે તેમને માત્ર પુત્રનું છેલ્લીવાર મોઢું જોવા મળે એટલે મૃતદેહ મળી જાય તેટલી જ આશા હતી. પણ જીવન અને મોત ઈશ્વરના હાથમાં હોય છે. ઈશ્વરે હાથ પકડવો હોય ત્યારે તે ગમે તે રીતે પકડે જ છે. લખનનો હાથ પણ ગણેશજીએ પકડ્યો. વાત જાણે એમ છે કે તાજેતરમાં જ ગણેશોત્સવ ઉજવાયો અને ઘણી મહાકાય મૂર્તિઓને ડુમસના દરિયામાં વિસર્જિત કરવામાં આવે છે. આવી એક મૂર્તિનો એક ભાગ દરિયામાં તરી રહ્યો હતો તેનો સહારો લઈ લખન બચી ગયો હતો.

હવે તેને બચાવવા ભગવાને એક માછીમારને મોકલ્યો. આ માછીમાર એટલે નવસારીના ભાટ ગામના માછીમાર રસિક ટંડેલ. ટંડેલ તેમની 7 ખલાસીઓની ટીમ સાથે 5 દિવસોથી દરિયો ખેડીને રહ્યા હતા. રસિક ટંડેલની બોટ શનિવારે બપોરે નવસારીના કિનારેથી 18 નોટિકલ માઈલ એટલે કે અંદાજિત 22 કિમી અંદર હતી, ત્યારે વિસર્જિત ગણેશજીની પ્રતિમાના અવશેષ ઉપર કોઈકને બેઠો હોય અને બચાવવા માટે હાથ કરી રહ્યો હોવાનું જણાયું હતું.
જાણે દરિયામાં મોતના મુખમાંથી વિઘ્નહર્તાએ જ લખનને બચાવી નવજીવન આપ્યું હોય એમ રસિકે તેમની બોટ વિસર્જિત ગણપતિની પ્રતિમાના અવશેષ પર બેઠેલા લખન નજીક લઈ જઈ, તેને દોરડાની મદદથી બચાવી લીધો હતો. 24 કલાકથી દરિયાની તોફાની લહેરો વચ્ચે જીવન ટકાવી રહેલો લખન ઘણો ગભરાય ગયો હતો. જેથી રસિકે પ્રથમ તેને પાણી આપ્યા બાદ ચા અને બિસ્કીટ ખવડાવ્યાં હતા. બાદમાં તેને હિંમત આપી થોડા સમય માટે સુવડાવી દીધો હતો. લખન જ્યારે નોર્મલ થયો, ત્યારે દરિયામાં કેવી રીતે આવ્યો અને પરિવારજનોની માહિતી મેળવી હતી.

તે બાદ મરિન પોલીસ અને સુરત પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે લખન માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. આ સાથે પરિવારને જાણ કરી. કહેવાની જરૂર નથી કે પરિવારને કેટલો આનંદ થયો હશે. લખન જ્યારે ધોલાઈ બંદરે આવી પહોંચ્યો ત્યારે પિતાના હર્ષના આસું રોકાતા ન હતા. હાલમાં પોલીસ દ્વારા બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવેલું છે આ બાળકની હેલ્થ પણ સારી છે. એમ્બ્યુલન્સ સાથે હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર પણ કરવામાં આવી છે તેમના વાઇટલ સાઇન સ્ટેબલ છે અને એમને તાત્કાલિક અસરથી સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ સંપૂર્ણ ઘટના ઈશ્વરનો ચમત્કાર તો ખરી જ, પણ સાથે માછીમારો, મરીન એજન્સી, પોલીસ અને ફાયર બ્રિગેડે ઉઠાવેલી જહેમત પણ દાદ માંગી લે છે.