જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, પાટીલને લઈ કહી આ વાત | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો, પાટીલને લઈ કહી આ વાત

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની વરણી અંગેની લાંબા સમયથી ચાલતી અટકળોનો શનિવારે અંત આવ્યો હતો. 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ હતી. ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ પંચાલને જાહેર કર્યા હતા. આ સાથે જ જગદીશ પંચાલે કમલમ ખાતે ચાર્જ પણ સંભાળ્યો હતો, જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેમણે શુક્રવારે વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. પ્રદેશ પ્રમુખ માટે જગદીશ પંચાલ સિવાય એકપણ ફોર્મ ભરાયું ન હોવાથી તેઓ બિનહરીફ થયા હતા.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થતાં જ મુખ્યપ્રધાને ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને શ્રીફળનો પડો અને સી.આર.પાટીલે ભાજપનો ઝંડો આપ્યો હતો, સાથે જ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ફૂલનો હાર પહેરાવી સ્વાગત કરાયું હતું. બાદમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખને ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પણ વાંચો : જયેશ રાદડિયાનું નામ લીધા વિના સી.આર. પાટીલની ટકોર, ચૂંટણી રાજકીય હોય કે સહકારી ક્ષેત્રની પાર્ટીનું મેન્ડેટ જ અંતિમ

ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે (વિશ્વકર્મા) પદગ્રહણ સમારોહમાં ઉપસ્થિત નેતાઓ અને કાર્યકરોને સંબોધ્યા હતા. તેમણે પક્ષ દ્વારા સોંપાયેલી જવાબદારી બદલ સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો અને બૂથ સ્તરના કાર્યકરને પ્રમુખ બનાવવાની પરંપરાને બિરદાવી હતી.

જગદીશ પંચાલે સંબોધનમાં શું કહ્યું?

નવા પ્રમુખે પોતાના સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું. તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના વખાણ કરતાં કહ્યું હતું કે, સી આર પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે. પોતાની નિમણૂકને કાર્યકરની ઓળખ ગણાવતા જગદીશ પંચાલે કહ્યું હતું કે, મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે. નવા પ્રમુખે કાર્યકર્તાઓને સ્પષ્ટ સંદેશ આપતાં કહ્યું હતું કે, પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે. તેમણે કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે, 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે જેથી આપણી જવાબદારી વધી છે.

આ પણ વાંચો : મેન્ડેટ વિવાદ, હારની જવાબદારી: જગદીશ પંચાલના પદગ્રહણ સમારોહમાં પાટીલે કરી આ વાત

અત્રે ઉલ્લેખનીય છે કે, જગદીશ પંચાલ અમદાવાદના ઠક્કરબાપાનગર ખાતે આવેલી વિક્રમપાર્ક સોસાયટી ખાતેના તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે નીકળી ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. આજના પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button